Video: સીમાંકન બિલે ઈન્ડિયા ગઠબંધનમાં સર્જી રાજકીય તિરાડ

સીમાંકન બિલ પર ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો એક બાદ એક સમર્થનની જાહેરાત કરી રહ્યા છે.જેને લઈને ગઠબંધનની એકતા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.ત્યારે સીમાંકન બિલ મુદ્દે કોંગ્રેસે વિરોધનું વલણ અપનાવ્યું છે.. અને હવે રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે અને ગઠબંધનના સાથી પક્ષોને ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સામૂહિક વલણથી અલગ જનાર પક્ષો સાથેના રાજકીય સંબંધો અંગે ફરી વિચારણા થઈ શકે છે. ત્યારે સીમાંકન બિલ મુદ્દે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ વધી રહી છે.
સીમાંકન બિલ મુદ્દે કોંગ્રેસની સંસદીય રણનીતિ જૂથની બેઠક સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાઈ હતી.. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધીએ સીમાંકન બિલનો વિરોધ કરવા અને તેને રોકવા માટે પૂરી તાકાતથી લડવાની વાત કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર મહિલા અનામત લાગુ કરવાના નામે સીમાંકન દ્વારા લોકસભાની બેઠકો વધારવા અને રાજકીય લાભ મેળવવા માગે છે.. કોંગ્રેસે માગ કરી છે કે લોકસભાની હાલની બેઠકો યથાવત રાખીને 33 ટકા મહિલા અનામત લાગુ કરવામાં આવે.. તેમજ રાજ્યો વચ્ચે બેઠકોની હાલની વહેંચણી આગામી 25 વર્ષ સુધી બદલવામાં ન આવે.. બેઠકમાં ડીએમકે અને શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથના નેતાઓ હાજર ન રહેતા કોંગ્રેસની ચિંતા વધી છે. રાહુલ ગાંધીએ વિપક્ષી એકતા પર ભાર મૂકતા ડીએમકે, સમાજવાદી પાર્ટી અને શરદ પવારના જૂથને સંયુક્ત વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા.
આ તરફ શરદ પવારની એનસીપી જૂથને લઈને પણ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસે રાજ્યસભાની બેઠક માટે પોતાના ઉમેદવારને બદલે શરદ પવારને સમર્થન આપ્યું હોવા છતાં હવે સીમાંકન મુદ્દે તેમના પક્ષના વલણ અંગે ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના નેતાઓ રોષે ભરાયા છે.શરદ પવારના એનસીપી જૂથ દ્વારા સીમાંકન બિલને સમર્થન અપાય તો કોંગ્રેસ પોતાની ગઠબંધનની સ્થિતિ પર ફરી વિચાર કરશે તેવો સંકેત પણ આપવામાં આવ્યો છે. ત્યારે સીમાંકન બિલ મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો કઈ ભૂમિકા ભજવે છે.અને કોંગ્રેસની આ ચીમકી બાદ ગઠબંધનમાં કેવો બદલાવ આવશે. તેના પર હવે સૌની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી














