Video: "મહિલા અનામતના બહાને ભાજપ દેશનો ચૂંટણી નકશો બદલવા માંગે છે", સીમાંકન બિલ પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર

સોર્સ: gstv

સંસદના વિશેષ સત્ર પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સીમાંકન બિલ (Delimitation Bill) અને લોકસભાની બેઠકો વધારીને 850 કરવાના સરકારના પ્રસ્તાવ પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીમાં પત્રકારોને સંબોધતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ મહિલા અનામતના બહાને પોતાની અનુકૂળતા મુજબ દેશનો ચૂંટણી નકશો ફરીથી દોરવા માંગે છે.

"મહિલા અનામત આવતીકાલે જ લાગુ થઈ શકે છે, તો 850 બેઠકો કેમ?"

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાના પ્રસ્તાવ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "તેમની માન્યતા છે કે લોકસભામાં 543 સભ્યોને બદલે 850 સભ્યો હોવા જોઈએ, અને આ માટે તેઓ મહિલા અનામતનું બહાનું આગળ ધરી રહ્યા છે. મહિલા અનામત બિલ પહેલેથી જ પસાર થઈ ચૂક્યું છે અને તે આવતીકાલે જ લાગુ કરી શકાય છે. તો પ્રશ્ન એ છે કે 850 બેઠકો શા માટે?" "આનો જવાબ આસામ અને જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલો છે. જ્યારે તમારી પાસે ફેરફાર કરવા માટે 850 બેઠકો હોય, ત્યારે તમે ભારતના ચૂંટણી નકશામાં મોટા પાયે ફેરબદલ અને પુનઃરચના કરી શકો છો. આનાથી ભાજપને પોતાના ફાયદા માટે ચૂંટણી નકશો બદલવાની તક મળશે, તેમનો વિરોધ કરતા સમુદાયોનું પ્રતિનિધિત્વ નબળું પાડવાની અને વિપક્ષના ચોક્કસ નેતાઓને નિશાન બનાવવાની છૂટ મળશે."

જાહેરાત

ચૂંટણી પંચ અને 2024ની ચૂંટણી પર લગાવ્યા ગંભીર આરોપ

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કામગીરી અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર પણ સીધું નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "આજે હું તમને સમજાવવા માંગુ છું કે આ નવો બચાવ રસ્તો કેવો દેખાય છે, તેની ડિઝાઇન શું છે અને તેનું પરિણામ શું આવશે. ચૂંટણી પંચે પોતે કહ્યું છે કે 2024માં 14 કરોડ એવા લોકોએ મતદાન કર્યું જેઓ મતદાન કરવા માટે લાયક નહોતા. તેનો અર્થ એ થયો કે ખુદ ચૂંટણી પંચના મતે 2024ની ચૂંટણી ગેરકાયદેસર હતી." "જમ્મુ અને કાશ્મીરમાં બેઠકોની પુનઃરચના કરવામાં આવી; બિહારમાં અમે તમને મતદારોના નામ કાઢી નાખવાની પ્રક્રિયા બતાવી; આસામમાં ભાજપને અનુકૂળ આવે તે રીતે સમગ્ર રાજ્યનું માળખું બદલવામાં આવ્યું; અને પશ્ચિમ બંગાળમાં 100થી વધુ બેઠકો છીનવી લેવામાં આવી."

"જ્ઞાનેશ કુમાર પર અમારી પાસે પૂરતી માહિતી છે"

પોતાના નિવેદનના અંતમાં રાહુલ ગાંધીએ સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે ટૂંક સમયમાં મોટો ખુલાસો કરવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, "અમે મોદી, શાહ અને જ્ઞાનેશને ઘેરી લીધા છે. તેઓ આ વાત જાણે છે અને અમે પણ જાણીએ છીએ. મેં તમને અગાઉ કહ્યું છે તેમ, અમારી પાસે જ્ઞાનેશ કુમાર વિશે પૂરતી માહિતી છે અને તેઓ બચી શકશે નહીં. અમે ટૂંક સમયમાં તે માહિતી તમારી સમક્ષ જાહેર કરવા જઈ રહ્યા છીએ."

આ સમાચાર શેર કરો

જાહેરાત