Video: સ્વર્ગસ્થ ગાયક ઝુબીન ગર્ગને ન્યાય અપાવવા આસામમાં જનઆક્રોશ; ધારાસભ્ય અખિલ ગોગોઈ સહિત સમર્થકોએ માનવ સાંકળ રચી વિરોધ નોંધાવ્યો

સોર્સ: gstv

આસામના લોકપ્રિય અને દિગ્ગજ ગાયક સ્વર્ગસ્થ ઝુબીન ગર્ગના નિધનને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, તેમના ચાહકો અને પરિવારજનો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ઝુબીન ગર્ગને ન્યાય અપાવવાની માંગ સાથે આસામના સોનાપુરમાં વિશાળ વિરોધ પ્રદર્શન અને માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં શિવસાગરના ધારાસભ્ય અને રાયજોર દળના વડા અખિલ ગોગોઈ પણ જોડાયા હતા 

આસામના સોનાપુર સ્થિત ઝુબીન ખેત્રામાં ઝુબીન ગર્ગ ન્યાય સમિતિ  દ્વારા સ્વર્ગસ્થ ગાયક ઝુબીન ગર્ગ માટે ન્યાયની માંગણી સાથે ભવ્ય વિરોધ પ્રદર્શન અને માનવ સાંકળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આંદોલનમાં શિવસાગરના ધારાસભ્ય અને રાયજોર દળના વડા અખિલ ગોગોઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પ્રસંગે અખિલ ગોગોઈએ ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું કે  ઝુબીન ગર્ગ આ ક્ષણના સૌથી મોટા કલાકાર અને આસામના લોકોના હૃદયના ધબકારા છે. તેમના મૃત્યુને ઓછામાં ઓછું એક વર્ષ થઈ ગયું હોવા છતાં  આજદિન સુધી ઝુબીન-દાને યોગ્ય ન્યાય મળ્યો નથી. ગોગોઈએ આસામ વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને યાદ કરતા કહ્યું હતું કે, ખુદ મુખ્યમંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું હતું કે આ એક હત્યા હતી, જે એક વ્યક્તિ દ્વારા અન્ય ચાર લોકોની મદદથી આચરવામાં આવી હતી. તેમ છતાં, તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં ઢીલાશ હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, આ કેસના આરોપીઓ એક પછી એક જેલમાંથી મુક્ત થઈ રહ્યા છે અને આજે સમાજમાં મુક્તપણે ફરી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

જાહેરાત

વિરોધ પ્રદર્શન દરમિયાન અખિલ ગોગોઈએ આગામી કાનૂની કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ જાણકારી આપતા સરકારને સચેત કરી હતી. તેમણે જણાવ્યું કે, આગામી ૩૦ નવેમ્બરના રોજ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં ઝુબીન ગર્ગ હત્યા કેસના મુખ્ય આરોપીની જામીન અરજી પર અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ નિર્ણાયક સુનાવણી પહેલા લોકોનો અવાજ બુલંદ કરવા માટે જ આજે તમામ સમર્થકો અને નાગરિકો ઝુબીન ખેત્રા ખાતે એકત્રિત થયા છે. અખિલ ગોગોઈએ આસામ સરકાર અને ભારત સરકાર બંનેને સીધી અપીલ કરતા માંગણી કરી છે કે, સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફથી મજબૂત પક્ષ રજૂ કરવામાં આવે અને કોઈપણ સંજોગોમાં મુખ્ય આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આગ્રહ રાખ્યો હતો કે મુખ્ય આરોપીને જામીન મંજૂર ન થવા જોઈએ, જેથી કેસની નિષ્પક્ષ તપાસ અને ન્યાયની આશા જીવંત રહે. માનવ સાંકળમાં જોડાયેલા તમામ લોકોએ એકસૂરે ઝુબીન ગર્ગને ન્યાય અપાવવા અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ દોહરાવી હતી.

આસામના સાંસ્કૃતિક જગતના ધ્રુવતારક સમાન ઝુબીન ગર્ગના ચાહકો માટે આ માત્ર એક કાનૂની લડાઈ નથી, પરંતુ તેમના પ્રિય કલાકાર પ્રત્યેની સંવેદના અને સન્માનનો પ્રશ્ન છે. હવે સમગ્ર આસામની નજર આગામી ૩૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થનારી અંતિમ સુનાવણી પર ટકેલી છે, ત્યારે સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે અને ઝુબીન-દાને ન્યાય મળે છે કે કેમ, તે જોવું રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત