Video: દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં દલાઈ લામાનું નવું સરનામું: કેન્દ્ર સરકારે 'ટાઈપ-૭' સરકારી બંગલો ફાળવ્યો

સોર્સ: gstv

તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના હૃદયસ્થાન સમાન લ્યુટિયન્સ વિસ્તારમાં એક સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. પંડિત રવિશંકર શુક્લા લેન સ્થિત ૨૦ નંબરનો આ ટાઈપ-૭ બંગલો દિલ્હીમાં દલાઈ લામાની સત્તાવાર કચેરી ગેડેન ફોડ્રાંગનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.

વિદેશ મંત્રાલયની માંગણી બાદ ઓક્ટોબર ૨૦૨૫માં આ મિલકતનો સત્તાવાર કબજો મેળવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં નવીનીકરણ બાદ બંગલા પર ગેડેન ફોડ્રાંગની તકતી લગાવવામાં આવી છે અને CPWD દ્વારા અહીં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ રહી છે. વર્ષ 1959માં તિબેટ છોડ્યા બાદ દલાઈ લામા હિમાચલ પ્રદેશના ધર્મશાલાથી કાર્યરત છે  અને વર્ષ ૨૦૧૧માં રાજકીય સત્તાનો ત્યાગ કર્યા બાદ ગેડેન ફોડ્રાંગ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

જાહેરાત

આ ટ્રસ્ટ માનવીય મૂલ્યો, શાંતિ, તિબેટીયન સંસ્કૃતિના જતન અને જરૂરિયાતમંદોની સહાય માટે કાર્ય કરે છે. આ ઉપરાંત, આગામી દલાઈ લામાની ઓળખ અને ઉત્તરાધિકારની પ્રક્રિયામાં પણ આ ટ્રસ્ટની ભૂમિકા અત્યંત મહત્વની છે. ચીન દ્વારા આગામી દલાઈ લામાની પસંદગી પર દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે દલાઈ લામાએ સ્પષ્ટ કર્યું છે કે તેમના અનુગામીને માન્યતા આપવાનો અધિકાર માત્ર પરંપરાગત તિબેટીયન બૌદ્ધ પ્રક્રિયા અને ગેડેન ફોડ્રાંગ ટ્રસ્ટ પાસે જ રહેશે. દિલ્હીમાં આ કચેરીની સ્થાપના વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત