Video: "સંકટ મોટું છે, પણ સરકાર તમારી સાથે છે..." થાણેથી ડેપ્યુટી સીએમ શિંદેનો ખેડૂતોને ખુલ્લો ટેકો, વળતરનું એલાન!

મહારાષ્ટ્રના થાણે ખાતે મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યમાં દુષ્કાળનો સામનો કરી રહેલા ખેડૂતો અને ગ્રામજનો માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સરકારે અસરગ્રસ્ત ગામોમાં સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કર્યો છે અને પીડિત લોકોને નિયમાનુસાર યોગ્ય વળતર પૂરું પાડવામાં આવશે.
એકનાથ શિંદેએ ભારપૂર્વક જણાવ્યું કે, શિવસેના હંમેશાથી ધરતીપુત્રો અને ખેડૂતોના પડખે અડીખમ ઊભી રહી છે. અગાઉ પણ દિવાળી જેવા તહેવારો દરમિયાન શિવસેના દ્વારા લાખો જરૂરિયાતમંદો, ખાસ કરીને ખેડૂતોને મોટા પાયે આર્થિક અને સામગ્રી સહાય પહોંચાડવામાં આવી હતી, અને આ વખતે પણ જરૂરી સહાય મોકલી આપવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે વર્તમાન સંકટ અત્યંત મોટું અને ગંભીર છે, તેથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારો અને વિશેષ કરીને ખેડૂતોની વહારે આવવા તમામ પક્ષો અને વર્ગોએ સાથે મળીને આગળ આવવું જરૂરી છે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંને ખેડૂતોની પડખે છે. શિવસેનાના પક્ષના કાર્યકરો સીધા ખેડૂતોના ઘરે-ઘરે જઈને તેમની સ્થિતિ જાણી તેમને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ કરાવશે.









