Video: "પીએમના પિતાનું અપમાન દેશ ક્યારેય માફ નહીં કરે!" ખડગેના નિવેદન પર ડેપ્યુટી સીએમ દિયા કુમારીનો જબરદસ્ત પલટવાર

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતીય જનતા પાર્ટીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ આ મામલે ખડગે અને કૉંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે અને જાહેર માફીની માંગ કરી છે.
ખડગેના નિવેદનની આકરી નિંદા કરતા નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતાનું અપમાન કરવામાં આવ્યું છે, અને ભૂતકાળમાં પણ કૉંગ્રેસના નેતાઓ દ્વારા પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા પર પણ સતત અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે, તે તેમના સંસ્કાર અને તેમની પાર્ટીની માનસિકતા દર્શાવે છે.
પીએમ આખા દેશના છે
વડાપ્રધાન માત્ર ભાજપના નહીં પરંતુ સમગ્ર દેશના વડાપ્રધાન છે. તેમના પરિવાર અને ખાસ કરીને તેમના પિતા વિશે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો તદ્દન અયોગ્ય અને અશોભનીય છે. ખડગેએ પીએમના પિતા વિશે વાપરેલી ભાષા બદલ દેશ સમક્ષ જાહેરમાં માફી માંગવી જોઈએ. દેશની જનતા અને યુવાનો આ બધું જોઈ રહ્યા છે અને તેઓ ક્યારેય આ અપમાનને માફ નહીં કરે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં આવી હલકી અને અપમાનજનક ભાષા માટે કોઈ સ્થાન નથી. ખડગેના આ નિવેદન બાદ ભાજપ કૉંગ્રેસ વિરુદ્ધ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે.











