મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોચી અકસ્માત કેસમાં જજ સામે ગુનો નોંધાયો, 17 વર્ષના પુત્રની કારથી થયું હતું મોત

કોચી અકસ્માત કેસમાં જજ સામે ગુનો નોંધાયો, 17 વર્ષના પુત્રની કારથી થયું હતું મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કેરળના કોચીમાં સગીર પુત્રની લક્ઝરી કારની ટક્કરથી એક વ્યક્તિનું મોત થતાં પોલીસે સોમવારે (26 ઑક્ટોબર, 2026) તેના પિતા અને એડિશનલ જિલ્લા જજને પણ આરોપી બનાવ્યા છે. આરોપ છે કે 17 વર્ષના કિશોરે રવિવારે વહેલી સવારે ચેરાનલ્લૂર વિસ્તારમાં પોતાની લક્ઝરી કારથી એક સ્કૂટરને ટક્કર મારી હતી, જેમાં સ્કૂટરચાલકનું મોત થયું હતું.

આરોપી જજ ત્રિશૂર જિલ્લાના ઇરિંજાલક્કુડાની કોર્ટમાં ફરજ બજાવે છે. તેમની સામે મોટર વ્હીકલ્સ એક્ટની કલમ 199A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમ મુજબ, જો સગીર દ્વારા કોઈ ગુનો કરવામાં આવે, તો તેના વાલી અથવા વાહનના માલિકને પણ તે ગુના માટે જવાબદાર ગણી તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. અકસ્માતમાં સામેલ કાર જજના નામે નોંધાયેલી છે.

કોચી સિટીના જિલ્લા પોલીસ વડા એસ. કાલિરાજ મહેશ કુમારે જણાવ્યું હતું કે, “જજ સામે કેસ નોંધવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા ન્યાયતંત્ર અને હાઈકોર્ટને જાણ કરવી પડશે.”

જજ સામે કાર્યવાહી કરવાની માગ તેજ

મૃતકના પરિવારજનો ઉપરાંત વિવિધ રાજકીય સંગઠનો અને યુવા સંગઠનો જજ સામે પણ કેસ નોંધવાની માગ કરી રહ્યાં હતાં. દરમિયાન, સોમવારે વહેલી સવારે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB)એ કિશોરને જામીન આપ્યા હતા. બોર્ડે આ નિર્ણય લેતી વખતે કિશોર સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાની બાબત ધ્યાનમાં લીધી હતી.

અકસ્મતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ ચેરાનલ્લૂરના ચિટ્ટૂરના રહેવાસી 55 વર્ષીય જયબાલકૃષ્ણન તરીકે થઈ છે. તેઓ ચિટ્ટૂર ખાતેની પોતાની ખાણીપીણીની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માત રવિવારે વહેલી સવારે લગભગ 2:20 વાગ્યે ચેરાનલ્લૂરના કન્ટેનર રોડ પર આવેલા મારપરમ્બુ વિસ્તારમાં થયો હતો.

એકલો કાર ચલાવી રહ્યો હતો કિશોર

FIR મુજબ, કિશોર વલ્લારપાડમથી કલામસેરી તરફ કારમાં એકલો જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની કારે એ જ દિશામાં જઈ રહેલા સ્કૂટરને ટક્કર મારી હતી. શરૂઆતમાં પોલીસે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન) એક્ટ, 2015ની કલમ 8 હેઠળ પોલીસ સ્ટેશનમાંથી જ કિશોરને જામીન પર મુક્ત કર્યો હતો.

કિશોર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 અને 106(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કલમો બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને બેદરકારીભર્યા કૃત્યને કારણે સદોષ માનવવધ ન ગણાય તે રીતે મૃત્યુ થવા સંબંધિત છે. જોકે, બાદમાં પોલીસે FIRમાં BNSની કલમ 105 પણ ઉમેરી હતી. આ કલમ હત્યા ન ગણાતા સદોષ માનવવધ માટેની સજાની જોગવાઈ કરે છે.

આરોપી કિશોરને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરવામાં આવતાં પોલીસની કાર્યવાહી સામે વિરોધ અને ટીકા શરૂ થઈ હતી. આ વિરોધ અને ટીકાઓ વચ્ચે પોલીસે FIRમાં વધુ ગંભીર કલમ ઉમેરવાનો નિર્ણય લીધો હતો.

આ સમાચાર શેર કરો