Video: મુંબઈના ઘાટકોપરમાં યુગલ પર હુમલાનો મામલો ગરમાયો: મદરેસાએ આરોપો ફગાવ્યા, BMC એ બાંધકામ તપાસની નોટિસ પાઠવી

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ફોનિક્સ મોલ નજીક આવેલા બગીચામાં યુગલ પર થયેલા હુમલાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ ઘટના સાથે ઘાટકોપરની મદરેસાનું નામ જોડવામાં આવતા સંસ્થાના સંચાલકોએ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે, જ્યારે બીજી તરફ BMCએ મદરેસાને બાંધકામ તપાસની નોટિસ ફટકારી છે.
અગાઉ ભાજપ નેતાએ આરોપ લગાવ્યો હતો કે 20 નવેમ્બરે યુગલ પર હુમલો કરનારા સગીરો ઘાટકોપરની આ મદરેસામાં અભ્યાસ કરતા હતા. આ આરોપ બાદ મદરેસાના સંચાલન પ્રતિનિધિ મોહમ્મદ મોઈન શેખે સ્પષ્ટતા કરી છે કે જામિયાતુલ ફાતિમાતુઝ ઝહરા મદરેસા માત્ર છોકરીઓ અને મહિલાઓ માટે જ છે, ત્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે અને શુક્રવારે તે બંધ રહે છે. તેમણે આ મામલાને ખોટી રીતે ધાર્મિક રંગ આપવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCએ મદરેસાને નોટિસ પાઠવી બાંધકામની માપણી અને દસ્તાવેજો તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે હુમલાની નિંદા કરતા સવાલ ઉઠાવ્યો છે કે હકીકતો તપાસ્યા વિના માત્ર છોકરીઓ માટેની શૈક્ષણિક સંસ્થાને નોટિસ આપી બદનામ કરવી યોગ્ય નથી.














