એ બેઈમાન વ્યક્તિ કંઇ પણ કરી શકે છે...', અજિત પવારનું પ્લેન ક્રેશ કરાવવાનો મુદ્દો આવ્યો ચર્ચામાં

મહારાષ્ટ્રના દિવંગત નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજિત પવારના જાન્યુઆરી 2026માં બારામતી ખાતે થયેલા વિમાન અકસ્માત (પ્લેન ક્રેશ) મામલે હવે રાજકારણ ગરમાયું છે. અજિત પવારના નિધનનાં 10 મહિના પછી શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના સાંસદ સુનીલ તટકરે સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. રામદાસ કદમે માંગ કરી છે કે આ વિમાન દુર્ઘટનામાં સુનીલ તટકરેની ભૂમિકા શું હતી તેની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ.
સુનીલ તટકરે અત્યંત બેઈમાન અને મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છે"
શિવસેના નેતા રામદાસ કદમે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે સુનીલ તટકરે રાજકીય ફાયદા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને તેમની મહત્ત્વાકાંક્ષા ખૂબ મોટી છે. કદમે આક્ષેપ કર્યો હતો કે, "આ માણસ કંઈ પણ કરી શકે છે, તેથી એ વાતની સઘન તપાસ થવી જોઈએ કે અજિત પવારના વિમાન અકસ્માતમાં કે હત્યાના કાવતરામાં તટકરે સામેલ હતા કે નહીં." ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેની શિવસેના અને સુનેત્રા અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી બંને હાલ મહારાષ્ટ્રની ભાજપ ગઠબંધનવાળી 'મહાયુતિ' સરકારનો હિસ્સો છે, જેના કારણે સત્તાધારી ગઠબંધન સામે જ સવાલો ઊભા થયા છે.
કોંગ્રેસની પ્રતિક્રિયા અને સુનીલ તટકરેનો ખુલાસો
આ ગંભીર મામલે વિપક્ષી કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રામદાસ કદમે માત્ર નિવેદનો આપવાને બદલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. બીજી તરફ, સાંસદ સુનીલ તટકરેએ આ તમામ આરોપોને 'સંપૂર્ણપણે પાયાવિહોણા અને જૂઠા' ગણાવીને ફગાવી દીધા છે અને આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે એક પત્રકાર પરિષદ બોલાવવાની જાહેરાત કરી છે. તટકરેની પાર્ટીના પ્રવક્તાએ પણ આ વિવાદને માત્ર કોંકણ ક્ષેત્રની સ્થાનિક રાજકીય પ્રતિસ્પર્ધાનું પરિણામ ગણાવ્યું છે.








