મધ્યપ્રદેશમાં મગની ખરીદી મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટો નિષ્ફળ, વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત
મધ્યપ્રદેશમાં મગના લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદીને લઈને સરકાર અને ખેડૂતો વ

મધ્યપ્રદેશમાં મગના લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદીને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહી છે. મોડી રાત્રે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કરીને પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
3 કલાક ચાલેલી બેઠકમાં શું નિર્ણય લેવાયો હતો?
આ પહેલાં મધ્યપ્રદેશ સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે લગભગ 3 કલાક સુધી લાંબી બેઠક યોજાઈ હતી. જેમાં મધ્યપ્રદેશ સરકારે મોટો નિર્ણય લેતાં જાહેરાત કરી હતી કે, હવે દરેક પાત્ર ખેડૂત પાસેથી તેમની મગની ઉપજના 25 ટકાને બદલે 60 ટકા મગની ખરીદી કરવામાં આવશે. જે નર્મદાપુરમ, સીહોર અને હરદા જેવા જિલ્લાઓમાં પ્રતિ એકર લગભગ 3 ક્વિન્ટલ જેટલી ખરીદી થાય છે. આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવાની વાત કહેવામાં આવી હતી.
સ્લોટ બુકિંગ અને ખરીદીની તારીખ લંબાવાઈ
ખેડૂતોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે સ્લોટ બુકિંગની મુદત પણ 10 દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો હતો. જે મુજબ ખેડૂતો હવે 30 જુલાઈના બદલે 10 ઓગસ્ટ સુધી સ્લોટ બુકિંગ કરી શકશે અને ખરીદીની છેલ્લી તારીખ પણ 10 ઓગસ્ટથી વધારીને 20 ઓગસ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાતર વિતરણ માટે લાગુ કરવામાં આવેલી 'ઈ-ટોકન' સિસ્ટમ પણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી.
ખેડૂતોએ પ્રસ્તાવ ફગાવ્યો, આંદોલન યથાવત
બેઠક દરમિયાન ખેડૂત પ્રતિનિધિઓએ આ નિર્ણયો પર સંતોષ વ્યક્ત કર્યો હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ બાદમાં સત્તાવાર નિવેદનમાં ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ સરકારના આ નિર્ણયથી સંતુષ્ટ નથી અને તેને 'લોલીપોપ' ગણાવીને પોતાનું આંદોલન ચાલુ રાખશે.






