'ઓછું બોલો અને કામ વધુ કરો!' સપા પર સતત પ્રહાર કરી રહેલા સાંસદ ઈમરાન મસૂદને મલ્લિકાર્જુન ખડગેની ભરસભામાં કડક સલાહ!

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલા સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી સીટ વહેંચણીની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના સાંસદ ઈમરાન મસૂદને જાહેર મંચ પરથી મહત્વની સલાહ આપી છે. લખનૌ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું તેમને અવારનવાર ટીવી પર બોલતા સાંભળું છું, પરંતુ માત્ર વાતો કરવાને બદલે કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે."
સંગઠન અને એકતા પર ભાર
મલ્લિકાર્જુન ખડગેએ ઈમરાન મસૂદની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ સંસદમાં પાર્ટી માટે સતત લડે છે અને મજબૂતીથી પક્ષ રજૂ કરે છે. જોકે, આ સાથે જ તેમણે ટકોર કરી કે રાજકારણમાં આગળ વધવા માટે ફક્ત નિવેદનો આપવા પૂરતા નથી, પરંતુ જમીની સ્તર પર સૌએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આપણે જેટલું વધુ મળીને કામ કરીશું, તેટલા જ આગળ વધીશું.
સપા-કોંગ્રેસ ગઠબંધન વિવાદની પૃષ્ઠભૂમિ
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં 2027ની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને શરૂઆતી તબક્કામાં 26 બેઠકોની ઓફર કરી છે, જ્યારે કોંગ્રેસ 120થી વધુ બેઠકોની માંગ કરી રહી છે. આ મુદ્દે ઈમરાન મસૂદે તાજેતરમાં જ સપા પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, "અમે ભિખારી નથી, અમને 26 બેઠકો નથી જોઈતી." તેમના આ નિવેદન બાદ સપા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. આ રાજકીય ગરમાવો વચ્ચે મલ્લિકાર્જુન ખડગેનું 'ઓછું બોલો અને કામ વધુ કરો' વાળું નિવેદન પાર્ટીના નેતાઓને સંયમ જાળવવા અને ગઠબંધનની મર્યાદામાં રહેવાના સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.









