સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત, મુન્દ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે
મુન્દ્રા જમીન કેસમાં અદાણી પોર્ટની સુપ્રીમ કોર્ટમાં મોટી જીત થઇ છે. 

મુન્દ્રા જમીન કેસમાં અદાણી પોર્ટની સુપ્રીમ કોર્ટમાં મોટી જીત થઇ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવતા અદાણી પોર્ટને હાલ પૂરતી રાહત મળી છે.
ગુજરાત સરકાર દ્વારા મુન્દ્રામાં 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમકોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
કચ્છમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક PILની સુનાવણી કરી હતી જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. પીઆઈએલમાં સ્થાનિક સમુદાય માટે ગૌચરની જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
2005માં અદાણી પોર્ટસને મુંદ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી સંબંધી આ બાબત હતી. આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટીફાય કરવામાં આવી હતી અને આ જમીન પર અદાણી પોર્ટ્સએ એસ.ઇ.ઝેડ.ની સ્થાપના કરી છે.
અદાણી પોર્ટસે ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ 100 % બજાર ભાવની ગણતરી અને તેના ઉપર 30% પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરી હતી.
મુંદ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પોર્ટસને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ 2011માં ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. આ બાબત ગુજરાત હાઇકોર્ટમાં 2011થી પેન્ડીંગ હતી.
ફાળવણીના 18 વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના 2005માં અદાણી પોર્ટસને ફાળવવામાં આવેલી 108 હેક્ટર્સથી વધૂ જમીન પાછી લેવા તા.4 થી જુલાઈએ આદેશ જારી કર્યો હતો.
તા.5મી જુલાઈએ આ બાબતની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.
આથી અદાણી પોર્ટસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઇકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે.







