સપા ધારાસભ્યના ઘરેથી મળી સગીરા, એક દિવસ પહેલા જ મળી હતી યુવતીની લટકતી લાશ
ઉત્તર પ્રદેશના ભદોહીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઝાહિદ બેગના ઘરે 18 વર્ષની

ઉત્તર પ્રદેશના ભદોહીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઝાહિદ બેગના ઘરે 18 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ પછી પોલીસ અને શ્રમ વિભાગની ટીમે ધારાસભ્યના ઘરે દરોડો પાડ્યો હતો. આ સમય દરમિયાન, એક સગીર છોકરી ઘરનું કામ કરતી જોવા મળી હતી, જેને ટીમ દ્વારા બચાવી લેવામાં આવી હતી.
ભદોહી પોલીસ અને શ્રમ પ્રવર્તન વિભાગની ટીમે સમાજવાદી પાર્ટી (SP) ધારાસભ્ય ઝાહિદ બેગના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 14 વર્ષની બાળકીને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવી હતી. ધારાસભ્યના ઘરમાં કામ કરતી ઘરેલું નોકર યુવતીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. જે બાદ આ દરોડો પાડવામાં આવ્યો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર, પોલીસ અધિક્ષક મીનાક્ષી કાત્યાયને જણાવ્યું કે ધારાસભ્યના ઘરમાં મૃત હાલતમાં મળી આવેલી ઘરકામ કરનાર છેલ્લા આઠ વર્ષથી કામ કરી રહી હતી. સોમવારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. ધારાસભ્યના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે ધારાસભ્યના ઘરે એક સગીર યુવતી કામ કરતી મળી આવી હતી. તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.
શ્રમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય વિરૂદ્ધ ઘરેલુ નોકરના મૃત્યુ અને સગીર છોકરીને ઘરનું કામ કરાવવાના મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઝાહિદ બેગની નોકરાણીનો મૃતદેહ તેના ઘરના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. આ બાબતની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડી લાશને બહાર કાઢી હતી. જે બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
એરિયા ઓફિસર અજય કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે મૃતક યુવતીનું નામ નાઝિયા છે. તે ઝાહિદ બેગના ઘરે છેલ્લા ઘણા સમયથી કામ કરતી હતી. તેમનો પરિવાર મામદેવ વિસ્તારમાં રહેતો હતો. જ્યારે મૃતક મલિકાના મોહલ્લામાં ધારાસભ્યના ઘરના ઉપરના માળે એક રૂમમાં રહેતી હતી. તેનો મૃતદેહ એ જ રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. સોમવારે સવારે જ્યારે તે લાંબા સમય સુધી ન જાગી ત્યારે ધારાસભ્યના પરિવારજનોએ જઈને જોયું તો તેણીની લાશ પંખા સાથે લટકતી હતી.







