મહેશ બાબુ, રાજામૌલી અને સાઇના નેહવાલને SIR નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ચૂંટણી પંચની (Special Intensive Revision - SIR) પ્રક્રિયા દરમિયાન ફિલ્મ, રમતગમત અને બિઝનેસ જગત સાથે જોડાયેલી અનેક જાણીતી હસ્તીઓને નોટિસ મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ યાદીમાં અભિનેતા મહેશ બાબુ, ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલી, પૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણ અને બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ જેવા મોટા નામો સામેલ હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી અનુસાર, મહેશ બાબુની સાથે તેમની પત્ની નમ્રતા, એસએસ રાજામૌલી, અભિનેતા વેંકટેશ દગ્ગુબાતી અને તેમની પુત્રીઓ, અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ, અભિનેતા વિજય દેવરકોન્ડા, આનંદ દેવરકોન્ડા, VVS લક્ષ્મણ, ક્રિકેટર મિતાલી રાજ, બેડમિન્ટન કોચ પુલેેલા ગોપીચંદ, સાઇના નેહવાલ, મુરલી કૃષ્ણ પ્રસાદ દિવી અને ઉપાસના કોનિડેલા સહિતના નામોનો સમાવેશ થાય છે.
મતદાર યાદીની ચકાસણી માટે નોટિસ
ચૂંટણી પંચની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ (Voter List Verification) અને મતદાર યાદીને અપડેટ કરવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં મતદારોના નામ અથવા તેમના માતા-પિતાના નામમાં વિસંગતતા જોવા મળી હોવાનું કહેવાય છે. કેટલાક રેકોર્ડ જૂના (SIR Data) સાથે મેચ ન થતાં પણ નોટિસ આપવામાં આવી છે. જોકે, તમામ નોટિસ પાછળ એકસરખું કારણ હોવું જરૂરી નથી.
ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નોટિસ મળવાનો અર્થ મતાધિકાર રદ થયો છે એવો નથી. સંબંધિત વ્યક્તિઓને ચકાસણી દરમિયાન જરૂરી દસ્તાવેજો રજૂ કરીને પોતાની વિગતોની પુષ્ટિ અથવા તેમાં સુધારો કરાવવાની તક આપવામાં આવે છે.
નોટિસનો અર્થ શું?
સંબંધિત વ્યક્તિ પોતે હાજર રહીને (Verification) કરાવી શકે છે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે હાજર ન રહી શકે તો નિયમ મુજબ પોતાના તરફથી અન્ય વ્યક્તિને કાર્યવાહી માટે અધિકૃત કરી શકે છે.
મહત્વનું છે કે (SIR Notice) મળવું એટલે વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અથવા તેને મતદાન માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે એવું નથી. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ ચાલી રહેલી આ પ્રક્રિયા મુખ્યત્વે મતદાર વિગતોની ચકાસણી અને જરૂરી સુધારા સાથે સંબંધિત છે.

