Video: યુપી ચૂંટણીમાં ચિરાગ પાસવાનનો મોટો ધડાકો: તમામ 403 બેઠકો પર એકલા હાથે લડવાની આપી ચેતવણી, NDAમાં નવાજૂનીના એંધાણ!

સોર્સ: gstv

બિહાર બાદ હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ઉત્તર પ્રદેશના રાજકીય અખાડામાં ઉતરવા માટે સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. પટનામાં મીડિયા સાથે વાતચીત કરતા ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ૧૦૦ ટકા તૈયાર છે. આ સાથે જ તેમણે સંકેત આપ્યા છે કે જો ગઠબંધન નહીં થાય, તો પાર્ટી યુપીની તમામ ૪૦૩ બેઠકો પર એકલા હાથે પણ ચૂંટણી લડતા અચકાશે નહીં.

કાશીમાં મહારેલી અને લખનઉમાં સ્થાપના દિવસની ઉજવણી

જાહેરાત

યુપીમાં ચૂંટણી તૈયારીઓની રૂપરેખા આપતા ચિરાગ પાસવાને જણાવ્યું કે, “ઉત્તર પ્રદેશ માટે અમારી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરમદિવસે કાશી (વારાણસી) ખાતે પાર્ટીની એક વિશાળ જનસભા યોજાવાની છે. આ ઉપરાંત આ વર્ષે ૨૮ નવેમ્બરે પાર્ટીનો સ્થાપના દિવસ પણ અમે લખનઉમાં ભવ્ય રીતે ઉજવીશું. મને પૂરો વિશ્વાસ છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે, તેમ તેમ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ઉત્તર પ્રદેશમાં એક મજબૂત દાવેદાર અને જનતા માટે મજબૂત વિકલ્પ બનીને ઊભરી આવશે.”

ગઠબંધન કે એકલા હાથે? ચિરાગ પાસવાનનું વલણ સ્પષ્ટ

ભાજપ સાથે ગઠબંધનના પ્રશ્ન પર ચિરાગ પાસવાને જણાવ્યું કે, આ અંગે અત્યારે ટિપ્પણી કરવી બહુ વહેલી ગણાશે, પરંતુ તેઓ દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. તેમણે અન્ય રાજ્યોના ઉદાહરણ આપતા કહ્યું, “રાષ્ટ્રીય સ્તરે અમારું એનડીએ (NDA) સાથે ગઠબંધન છે અને બિહારમાં પણ અમે સાથે છીએ. અમે દરેક રાજ્યમાં ગઠબંધનની મર્યાદાનું પાલન કર્યું છે. ઝારખંડમાં અમારા ધારાસભ્યો છે, દિલ્હીમાં અમે સાથે ચૂંટણી લડ્યા હતા. જોકે, નાગાલેન્ડમાં અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા હતા અને આજે ત્યાં અમારા બે ધારાસભ્યો છે.”

વધુમાં તેમણે સ્પષ્ટ ચેતવણીના સૂરમાં ઉમેર્યું હતું કે, “જો યુપીમાં ગઠબંધન થશે તો તે સારી બાબત છે. પરંતુ જો પરિસ્થિતિ અનુકૂળ ન રહે અને જરૂર પડશે, તો લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ઉત્તર પ્રદેશની તમામ ૪૦૩ વિધાનસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા માટે પણ સંપૂર્ણ રીતે સક્ષમ અને સજ્જ છે.”

ચિરાગ પાસવાનના આ આક્રમક વલણથી ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને એનડીએ ગઠબંધનમાં સીટ-શેરિંગને લઈને નવો ગરમાવો જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત