મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વિદેશમાં દેશની ઈમેજ ખરડવાનો પ્રયાસ એ દેશદ્રોહી કૃત્ય', શિવરાજસિંહે રાહુલ ગાંધીને માર્યા ચાબખા

લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં રાહુલ ગાંધીએ મોદી

'વિદેશમાં દેશની ઈમેજ ખરડવાનો પ્રયાસ એ દેશદ્રોહી કૃત્ય', શિવરાજસિંહે રાહુલ ગાંધીને માર્યા ચાબખા

લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં રાહુલ ગાંધીએ મોદી સરકાર અને RSS પર જોરદાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન અંગે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જડબાતોડ જવાબ આપ્યો છે. 

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અમેરિકામાં આપેલા નિવેદનો પર પ્રહારો કરતા કહ્યું કે, આ રીતે વિદેશની ધરતી પર દેશની છબી ખરાબ કરવી એ 'રાષ્ટ્રવિરોધી' કૃત્ય છે. શિવરાજ સિંહે ટોણો માર્યો કે, રાહુલ ગાંધી સતત ત્રીજી વખત હારીને દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

જણાવી દઈએ કે, રવિવારે ડલાસમાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય રાજકારણમાંથી પ્રેમ, સન્માન અને નમ્રતા ખૂટી ગઈ છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ ટીકા કરતા કહ્યું કે તે માને છે કે ભારત 'એક વિચાર' છે.

શિવરાજે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો

અમેરિકાના વોશિંગ્ટન ડીસી.માં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સતત ત્રીજી વખત હારવાને કારણે રાહુલ ગાંધીના મનમાં મોદી, ભાજપ અને RSS વિરોધી ભાવનાઓ ઉભી થાય તે સ્વાભાવિક છે. તેઓ વિદેશોમાં સતત દેશની છબી ખરડવાનો પ્રયાસ કરતા હોય છે. દેશની છબી ખરડવી એ દેશદ્રોહ સમાન છે.  

રાહુલ ગાંધી વિપક્ષ નેતાના જવાબદાર પદ ઉપર છે. હું રાહુલ ગાંધીને યાદ અપાવવા માંગુ છું કે જ્યારે અટલ બિહારી વાજપેયી LOP હતા ત્યારે તેમણે ક્યારેય વિદેશની ધરતી પર દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો નહતો. બંધારણ પર કોણે હુમલો કર્યો? ઈમરજન્સી કોણે લાદી?"

જણાવી દઈએ કે, અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ RSS વચ્ચે વૈચારિક મતભેદો વિશે વાત કરતા કહ્યું કે,  “આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે, જ્યારે અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુલતા છે. ભાજપ અને આરએસએસ સામેની લડાઈ લોકસભાની ચૂંટણી સમયે સ્પષ્ટ થઈ ગઈ, જ્યારે લાખો ભારતીયોને સમજાયું કે વડાપ્રધાન ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જો તેમની દાદીને RSSની ભૂમિકા વિશે પૂછવાનો કોઈ રસ્તો હોય તો તેમણે આમ કરવું જોઈએ અથવા ઈતિહાસના પાનાઓને ફેંદીને તપાસ કરવી જોઈએ. આરએસએસને સાચા અર્થમાં સમજવા માટે રાહુલ ગાંધીને કેટલાય જન્મ લેવા પડશે. દેશદ્રોહીઓ આરએસએસને સમજી શકતા નથી.

આ સમાચાર શેર કરો