છત્તીસગઢમાં આ વર્ષે સુરક્ષાદળોને મળી બીજી સૌથી મોટી સફળતા, 7 નક્સલી ઠાર
છત્તીસગઢના નારાયણપુર અને કાંકેર બોર્ડર પર સુરક્ષાદળોના જવાનોએ સાત નક્સલીઓને અથડામણમાં ઠાર માર્યા છે. અબૂઝમાડમાં

છત્તીસગઢના નારાયણપુર અને કાંકેર બોર્ડર પર સુરક્ષાદળોના જવાનોએ સાત નક્સલીઓને અથડામણમાં ઠાર માર્યા છે. અબૂઝમાડમાં અથડામણમાં બે મહિલા સહિત કૂલ 7 માઓવાદીઓના શબ મળ્યા છે. ઘટનાસ્થળેથી એક AK47 હથિયાર સાથે મોટી સંખ્યામાં દારૂગોળો અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તાર અબૂઝમાડ, ટેકમેટા અને કાકુરના જંગલોમાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. 15 દિવસમાં સુરક્ષાદળોનો નક્સલીઓ પર આ બીજી સૌથી મોટી કાર્યવાહી હતી.
એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એક નક્સલ વિરોધી અભિયાન છે. વિસ્તારમાં હજુ પણ તપાસ અભિયાન ચાલુ છે. અધિકારીએ જણાવ્યું કે ઠાર મરાયેલા નક્સલીઓની ઓળખ થઇ શકી નથી.
વિસ્તારમાં 50થી વધુ નક્સલી હોવાની શક્યતા
બસ્તરના આઇજી પી સુંદરરાજે કહ્યું કે,"અબૂઝમાડ વિસ્તારમાં DRG અને STFના સંયુક્ત દળની માઓવાદીઓ સાથે અથડામણ થઇ હતી. વિસ્તારમાં 50થી 60 નક્સલીઓની હાજરી હોવાની સંભાવના છે. અભિયાન સતત ચાલુ છે. ગરમીના સમયમાં નક્સલી સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, જેને જોતા સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે."
આ વર્ષે 88 નક્સલીઓ ઠાર
16 એપ્રિલે કાંકેર જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં 29 નક્સલી માર્યા ગયા હતા. પોલીસ અનુસાર, બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અલગ અલગ અથડામણમાં આ વર્ષે અત્યાર સુધી 88 નક્સલી ઠાર મરાયા છે જેમાં નારાયણપુર અને કાંકેર સહિત સાત જિલ્લા સામેલ છે.








