'હું 16 મહિનાથી બંધ છું...', સિસોદિયાની જામીન અંગે SCએ ED-CBIને આપી નોટીસ
સુપ્રીમ કોર્ટ લગભગ 16 મહિનાથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી અંગે સુ

સુપ્રીમ કોર્ટ લગભગ 16 મહિનાથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી અંગે સુનાવણી કરવા સંમત થઈ છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ટૂંકી સુનાવણી બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન બંનેને તેમના જવાબ દાખલ કરવા માટે નોટિસ જારી કરી છે. સુપ્રી કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી હવે 29 જુલાઈએ થશે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રીએ કથિત દારૂ નીતિ બાબતે થયેલ કૌભાંડ સંબંધિત સીબીઆઈ અને ઈડી કેસમાં જામીન માંગ્યા છે. આ માટે તેમણે ટ્રાયલની ગતિ ધીમી હોવાની દલીલ આપી હતી.
જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે સિસોદિયાની જામીન અંગેની અરજી પર સુનાવણી કરી હતી. સિસોદિયા વતી વરિષ્ઠ વકીલ વિવેક જૈને કહ્યું કે, 'ટ્રાયલની ગતિ ધીમી છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે, જો મારી ભૂલ નથી તો હું સુપ્રીમમાં અરજી કરી શકું છું. હું 16 મહિનાથી અંદર છું. અને ટ્રાયલની ગતિ હજુ પણ એવી જ છે જેવી ઓક્ટોબર 2023માં હતી. આ NDPS કેસ જેવો નથી અને આ વિલંબ અંગે ધ્યાન આપવામાં આવે.
સુપ્રીમની ખંડપીઠે ED અને CBIને નોટિસ પાઠવીને જવાબ આપવા જણાવ્યું હતું. 29મી જુલાઈએ આ ગામી સુનાવણી થશે. જણાવી દઈએ કે, લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી 9 માર્ચ, 2023 ના રોજ, EDએ ધરપકડ કરી હતી. ત્યારથી સિસોદિયા ન્યાયિક કસ્ટડીમાં જેલમાં છે. નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.
સિસોદિયા દિલ્હીના શિક્ષણ મંત્રીની સાથે એક્સાઇઝ વિભાગની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા. નાણાકીય વર્ષ 2021-22 માટે બનાવવામાં આવેલી દારૂની નીતિ અંગે, ED અને CBIનો દાવો છે કે દારૂના વેપારીઓને અન્યાયી રીતે ફાયદો થયો હતો અને બદલામાં તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. જો કે દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ આરોપોને ખોટા અને રાજકીય ષડયંત્ર ગણાવી રહી છે.
આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જેલમાં છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે તેમને ED કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ CBI કેસમાં પણ તેમની ધરપકડના કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા. CBI કેસમાં કેજરીવાલની અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.








