'યોગી પર દબાણ વધારવા ફડણવીસે રાજીનામાની તૈયારી દર્શાવી'- સંજય રાઉત
લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ પ્રતિક્રિયાઓ આવી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના ર

લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ પ્રતિક્રિયાઓ આવી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના રાજ્યમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા રાજીનામાની રજૂઆત કરી હતી. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે આ યોગી આદિત્યનાથ પર દબાણ બનાવવાની એક ચાલ છે. સંજય રાઉતે એવો પણ દાવો કર્યો કે નવી NDA સરકારના ગણતરીના દિવસો રહી ગયા છે.
આ સરકાર લાંબા સમય સુધી નહીં ચાલે- સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું, "નરેન્દ્ર મોદીને શપથ લેવા દો, અમે મીઠાઇ વહેંચવાનું સૂચન આપીશું. આ સરકાર લાંબા સમય સુધી નહીં ચાલે." સંજય રાઉતે વધુમાં કહ્યું કે, 'નિર્ણય ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના પક્ષમાં હતો. બન્ને પાર્ટી વિભાજિત થઇ ગઇ હતી, તેમના નામ અને ચૂંટણી ચિહ્ન બળવાખોરોને આપી દેવામાં આવ્યા હતા.'
મહત્ત્વપૂર્ણ છે કે, 2019માં ભાજપ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ ધરાવતી અવિભાજીત સેના સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં 25 લોકસભા બેઠકમાંથી 23 પર જીત મેળવી હતી. શિવસેનાએ અન્ય 23 પર ચૂંટણી લડી અને 18 પર જીત મેળવી હતી. આ વખતે ભાજપને માત્ર 9 બેઠક મળી છે. ભાજપના સહયોગી એકનાથ શિંદેના નેતૃત્વ ધરાવતી શિવસેનાને સાત અને અજીત પવારના નેતૃત્વ ધરાવતી NCPને એક બેઠક પર જીત મળી છે.
ભાજપ માટે સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે. આ કારણે ભાજપ પોતાના દમ પર બહુમત મેળવી શક્યો નથી. 2014 અને 2019માં ઉત્તર પ્રદેશના દમ પર જ ભાજપે બહુમત મેળવ્યો હતો. આ વખતે ભાજપ યુપીમાં માત્ર 33 બેઠક જ જીતી શક્યુ હતું .2019માં આ આંકડો 63 હતો. ઉત્તર પ્રદેશના પરિણામને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ભાજપે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સારૂ પ્રદર્શન કર્યું છે.
યોગી આદિત્યનાથના પ્રભાવ ધરાવતા વિસ્તાર પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે નુકસાન થયું છે. પાર્ટીએ ફૈજાબાદ બેઠક પણ ગુમાવી દીધી છે જે વિસ્તારમાં તાજેતરમાં રામ મંદિરની સ્થાપના થઇ છે.








