ખજુરાહોમાં સપાના ઉમેદવાર મીરા યાદવ નહિ લડે ચૂંટણી, ભાજપની જીત સરળ
મધ્યપ્રદેશની ખજુરાહો સીટ પર INDIA ગઠબંધનને મળ્યો ઝટકો. ખજુરાહોન

મધ્યપ્રદેશની ખજુરાહો સીટ પર INDIA ગઠબંધનને મળ્યો ઝટકો. ખજુરાહોની લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મીરા યાદવનું નોમિનેશન ફોર્મ રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણી બાદ ફગાવી દેવામાં આવ્યું છે. કોંગ્રેસે સીટ વહેંચણીના ફોર્મ્યુલા હેઠળ આ સીટ સપા માટે છોડી હતી. પન્નાના રિટર્નિંગ ઓફિસર સુરેશ કુમાર મીરાને મળ્યા હતા. ત્યારે મીરા યાદવે નોમિનેશન ફોર્મ ભરતી વખતે 'બી ફોર્મ' પર હસ્તાક્ષર નહોતા કર્યા જેના કારણે તેમનું નામાંકન પત્ર નામંજૂર કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશની ખજુરાહો લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મીરા યાદવનું નોમિનેશન ફોર્મ રિટર્નિંગ ઓફિસરે ચકાસણી બાદ નકારી કાઢ્યું હતું. ચૂંટણી અધિકારીએ મીરા યાદવના નામાંકન પત્રને નકારી કાઢ્યું હતું. કારણ કે મીરા યાદવે 'બી ફોર્મ' પર સહી કરી ન હતી અને 2023 વિધાનસભા ચૂંટણીની મતદાર યાદીની પ્રમાણિત નકલ પણ જોડી નહોતી. આપને જણાવી દઈએ કે, સમાજવાદી પાર્ટીના મીરા યાદવ સામે ભાજપે ખજુરાહોથી વર્તમાન સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને મેદાનમાં ઉતાર્યા છે.
એક અહેવાલ અનુસાર, મીરા યાદવના પતિ દીપ નારાયણ યાદવે કહ્યું કે, "તેઓ રિટર્નિંગ ઓફિસરના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે. નિયમ એવો છે કે, જો ફોર્મમાં કોઈ ખામી હોય તો તેને સુધારવાની ફરજ રિટર્નિંગ ઓફિસરની હોય પછી ભલેને ઉમેદવાર અભણ જ કેમ ના હોય." તેમને એવું પણ ઉમેર્યું હતું કે, "ગઈ કાલ સુધી નોમિનેશન ફોર્મ બરાબર હતું પરંતુ આજે તેમણે ફોર્મમાંથી બે ખામીઓ કાઢી. પહેલી, ફોર્મ સાથે જોડાયેલ મતદાર યાદી પ્રમાણિત નથી અથવા જૂની છે અને બીજી ખામી, નોમિનેશન ફોર્મમાં બે જગ્યાએ સહીં કરવાની હતી જેમાં એક જ જગ્યાએ સહીં થઈ છે બીજી જગ્યાએ બાકી રહી ગઈ છે."
અખિલેશ યાદવે ભાજપ પર લગાવ્યો આરોપ:
ત્યારે આ મામલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, "ખજુરાહો સીટ પરથી INDIA ગઠબંધનના સપા ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ્દ કરવું એ લોકશાહીની હત્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના દ્વારા નોમિનેશન ફોર્મમાં સહી નહોતી કરવામાં આવી તો પછી જે અધિકારીએ જોયું તેણે ફોર્મ કેમ લીધું? આ બધા બહાના છે અને પરાજિત ભાજપની હતાશા છે. તેમણે કહ્યું કે જે લોકો કેમેરાની સામે છેતરપિંડી કરી શકે છે, તેઓ ફોર્મ મેળવ્યા પછી પીઠ પાછળ કેવા કેવા કાવતરા ઘડતા હશે." અખિલેશે કહ્યું કે, ભાજપ માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કામોમાં પણ જૂઠ્ઠી છે અને સમગ્ર વહીવટી તંત્રને ભ્રષ્ટ કરવા માટે પણ દોષિત છે. આ ઘટનાની ન્યાયિક તપાસ પણ થવી જોઈએ, કોઈનું નામાંકન રદ કરવું એ લોકશાહી ગુનો છે.
ભાજપની જીત બની સરળ:
સમાજવાદી પાર્ટીના મીરા યાદવનું નામાંકન રદ થવાને કારણે જાણે આ બેઠક પર ભાજપને ખુલ્લો રસ્તો મળી ગયો છે. ભાજપે અહીંથી ઉમેદવાર તરીકે પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને મેદાને ઉતાર્યા છે. વીડી શર્માએ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અહીંથી મોટી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર ન ઉતારીને સપા માટે આ સીટ છોડી દીધી હતી અને હવે કોંગ્રેસ કે સપા તરફથી કોઈ ઉમેદવાર ન હોવાથી વીડી શર્મા અહીંથી મોટી જીત નોંધાવે તેવી શક્યતાઓ વધી ગઈ છે.








