સચિનના 3 ફેવરિટ કેપ્ટન: ધોની નંબર-1, જાણો બીજા કોણ છે લિસ્ટમાં

ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના ફેવરિટ ટોપ 3 કેપ્ટનની પસંદગી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર યોજાયેલા એક પ્રશ્નોત્તરી સેશન દરમિયાન સચિને પોતાના કેપ્ટનશીપના સમયગાળા, પોતાના મનપસંદ સુકાનીઓ અને દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાના નેતૃત્વ અંગે ખુલીને વાત કરી હતી.
એક યુઝરે સચિનને સવાલ કર્યો હતો કે, "ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેનો તમારો અનુભવ કેવો રહ્યો અને આ ભૂમિકામાં ઢળવું તમારા માટે કેટલું મુશ્કેલ હતું? ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં એક કેપ્ટન તરીકે તમે ટેમ્બા બાવુમાને કેવી રીતે મૂલવો છો? તેમજ વ્યક્તિગત રીતે તમને કયા કેપ્ટનની આગેવાની હેઠળ રમવું સૌથી વધુ પસંદ હતું?"
કેપ્ટનશીપ અને 1990ના દાયકા પર સચિનનો ખુલાસો
આ પ્રશ્નનો ઉત્તર આપતાં સચિને જણાવ્યું કે ભારતીય ટીમનું નેતૃત્વ કરવું તેમના માટે ખૂબ મોટા સન્માનની વાત હતી:
સચિને સ્વીકાર્યું હતું કે તે સમયે તેમને પોતાની મરજી મુજબ સંપૂર્ણ ટીમ પસંદ કરવાની આઝાદી નહોતી મળતી.
તેમણે કહ્યું કે 1990 ના દાયકાની સરખામણીમાં આજનું BCCI ઘણું વધારે પ્રોફેશનલ સંગઠન બન્યું છે. તે દોરમાં ભારતીય ક્રિકેટ અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પણ પસાર થયું હતું.
ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે વર્ષ 1996થી 2000 વચ્ચે બે કાર્યકાળમાં ભારત માટે 25 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. માર્ચ 2000માં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં પરાજય બાદ તેમણે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું અને ફરીથી ક્યારેય કેપ્ટન બનવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.
ટેમ્બા બાવુમાના નેતૃત્વ અને જુસ્સાની પ્રશંસા
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા વિશે સચિન તેંડુલકરે દિલ ખોલીને વખાણ કર્યા હતા:
"હું ટેમ્બા બાવુમાના જુસ્સાની સાચા અર્થમાં ખૂબ પ્રશંસા કરું છું. તેણે આગળ આવીને ટીમનું નેતૃત્વ સંભાળ્યું છે અને દક્ષિણ આફ્રિકન ક્રિકેટ માટે શાનદાર પરિણામો આપ્યા છે. દક્ષિણ આફ્રિકાનું ICC ટાઇટલ જીતવું એ વિશ્વ ક્રિકેટ માટે ઘણી સારી બાબત છે."
ધોની અને ગાંગુલી ફેવરિટ કેપ્ટન
પોતાની કરિયરમાં શ્રેષ્ઠ સુકાનીઓ હેઠળ રમવાના અનુભવ અંગે સચિન તેંડુલકરે સૌરવ ગાંગુલી અને એમએસ ધોનીના નેતૃત્વને સર્વોચ્ચ ગણાવ્યું હતું. સચિને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું:
"જ્યાં સુધી મારા મનપસંદ કેપ્ટનનો સવાલ છે, તો સૌરવ ગાંગુલી અને MS ધોની ચોક્કસપણે મારી યાદીમાં સૌથી ટોચ પર રહેશે."











