આખી બિલ્ડિંગ ફરી બનાવો અને 10 લાખ વળતર આપો; ગેરકાયદે ડિમોલિશન પર કલકત્તા હાઇકોર્ટનો ઠપકો

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બે માળની વ્યાપારી ઇમારત તોડી પાડવાના મામલે કલકત્તા હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે અધિકારીઓને નવી બિલ્ડિંગ બનાવી આપવાનો, ત્યાં સુધી મફતમાં વૈકલ્પિક રહેઠાણ પૂરું પાડવાનો અને ₹10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
સરકારી જમીન પરથી કબ્જો હટાવવાનો હતો, આખી ઇમારત તોડી પાડી
કલકત્તા હાઇકોર્ટે સરકારી જમીન પરથી કથિત અતિક્રમણ (દબાણ) હટાવવાની કાર્યવાહી દરમિયાન બે માળની કોમર્શિયલ બિલ્ડિંગ તોડી પાડવા બદલ રાજ્ય તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ પાર્થ સારથી સેને કબિતા મન્ના અને અન્ય એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો હતો. અરજદારોનો આક્ષેપ હતો કે, પૂર્વ મેદિનીપુરમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાના બહાને તેમની વ્યાપારી ઇમારત પણ તોડી પાડવામાં આવી હતી.
અધિકારીઓએ નક્કી કરેલી સીમા બહાર જઈને તોડફોડ કરી
રિપોર્ટ અનુસાર, હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, રજૂ કરાયેલા પુરાવાઓ પરથી સાબિત થાય છે કે અધિકારીઓએ પોતાની નિર્ધારિત સીમાથી બહાર જઈને કાર્યવાહી કરી છે. અરજદારોની મિલકતને કોઈ પણ કાયદેસરના અધિકાર વિના તોડી પાડવામાં આવી હતી. આથી, સંબંધિત સત્તામંડળને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, નવી ઇમારત બનીને તેનો કબજો અરજદારોને ન સોંપાય ત્યાં સુધી તેમને તે જ વિસ્તારમાં કોઈ પણ ચાર્જ વિના વૈકલ્પિક આવાસ પૂરું પાડવામાં આવે.
સરકારી જમીન પરના દબાણથી શરૂ થયો હતો વિવાદ
આ મામલો પૂર્વ મેદિનીપુરમાં સરકારી જમીન પરના દબાણ સાથે જોડાયેલો હતો. અરજદારોએ સ્થાનિક ગ્રામ પંચાયત પાસેથી નકશો મંજૂર કરાવીને બે માળનું કોમર્શિયલ મકાન બનાવ્યું હતું, અને તેમાંથી જ પોતાનો વ્યવસાય ચલાવતા હતા. સરકારી જમીન પરથી દબાણ હટાવવાના આદેશ બાદ 10 સપ્ટેમ્બર 2024 અને 17 માર્ચ 2025ના રોજ તપાસ રિપોર્ટ તૈયાર કરાયા હતા, જેમાં સરકારી પ્લોટ નંબર 1 અને 12 પર દબાણ હોવાનું જણાવાયું હતું. જોકે, અધિકારીઓએ દબાણ હટાવતી વખતે સરકારી પ્લોટની સાથે અરજદારોના પોતાના માલિકીના પ્લોટ (LR પ્લોટ નંબર 650) પર બનેલી ઇમારત પણ જમીનદોસ્ત કરી દીધી હતી.
બે વર્ષમાં બનાવવી પડશે નવી ઇમારત
હાઇકોર્ટે અરજી મંજૂર કરતાં આદેશ આપ્યો છે કે, સત્તામંડળે મંજૂર થયેલા નકશા મુજબ બે વર્ષની અંદર અરજદારોને નવી ઇમારત બનાવીને આપવી પડશે.
₹ 10 લાખનું વળતર બે હપ્તામાં ચૂકવવું પડશે
ગેરકાયદેસર તોડફોડ બદલ કોર્ટે અરજદારોને ₹10 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે, જે બે સરખા હપ્તામાં ચૂકવવાનું રહેશે.
પ્રથમ હપ્તો: ₹5 લાખ (ઓક્ટોબર 2026ના અંત સુધીમાં)
બીજો હપ્તો: ₹5 લાખ (ફેબ્રુઆરી 2027ના અંત સુધીમાં)
આ ઉપરાંત, નવી બિલ્ડિંગ તૈયાર ન થાય ત્યાં સુધી અરજદારો માટે મફત વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ સરકારે જ કરવાની રહેશે.

