Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Does a daughter lose her right to her father's property if her mother remarries? High Court's major verdict.

માતા બીજા લગ્ન કરે તો દીકરીનો પિતાની સંપત્તિ પર હક ખતમ? હાઈકોર્ટનો મોટો ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
માતા બીજા લગ્ન કરે તો દીકરીનો પિતાની સંપત્તિ પર હક ખતમ? હાઈકોર્ટનો મોટો ચુકાદો
સોર્સ : gstv

પતિના મૃત્યુ બાદ કોઈ વિધવા મહિલા બીજા લગ્ન કરે તો શું તેની દીકરીનો પિતાની સંપત્તિ પરનો વારસાઈ હક પણ સમાપ્ત થઈ જાય? આ મહત્વપૂર્ણ સવાલ પર મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) સ્પષ્ટતા કરી છે. કોર્ટે કહ્યું કે માતાના બીજા લગ્નના કારણે તેના પોતાના વારસાઈ અધિકાર પર અસર પડી શકે છે, પરંતુ તેનાથી દીકરીનો પિતાની સંપત્તિ પરનો સ્વતંત્ર વારસાઈ અધિકાર (Inheritance Right) સમાપ્ત થતો નથી.

App Store

આ ચુકાદો લલિતમણિ નામની મહિલા સાથે જોડાયેલા કેસમાં આપવામાં આવ્યો છે. તેમના પિતા વેંકટેશનનો સંયુક્ત કુટુંબની સંપત્તિ (Joint Family Property)માં હિસ્સો હતો. વેંકટેશનના મૃત્યુ બાદ તેમની પત્નીએ બીજા લગ્ન કર્યા હતા.  ત્યારબાદ પરિવાર તરફથી દાવો કરવામાં આવ્યો કે માતાના બીજા લગ્નને કારણે વેંકટેશનનો સંપત્તિમાં રહેલો અવિભાજિત હિસ્સો (Undivided Share) દીકરીને મળી શકે નહીં.

પરિવારે શું દલીલ કરી?

વેંકટેશનના પરિવારના સભ્યોએ દલીલ કરી હતી કે તેમની પત્નીએ બીજા લગ્ન કર્યા  હોવાથી જૂના હિંદુ ઉત્તરાધિકાર કાયદા (Hindu Succession Law) હેઠળ તે સંપત્તિની વારસદાર રહી નથી. તેથી વેંકટેશનનો હિસ્સો સંયુક્ત પરિવારના અન્ય સહભાગીઓ (Coparceners) પાસે પરત જવો જોઈએ.

પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે જણાવ્યું કે લલિતમણિ તેમના પિતાની દીકરી હોવાથી તેઓ Class-I Legal Heir છે. તેથી પિતાની સંપત્તિમાં રહેલા તેમના હિસ્સા પર વારસાઈ દાવો કરવાનો તેમને સ્વતંત્ર અધિકાર છે.

માતાના બીજા લગ્નથી દીકરીનો હક કેમ નહીં જાય?

કોર્ટના જણાવ્યા અનુસાર, જૂના કાયદા હેઠળ માતાના બીજા લગ્ન થી તેના પોતાના વારસાઈ અધિકાર પર અસર પડી શકે છે. પરંતુ આ અયોગ્યતા માત્ર માતાના અધિકાર પૂરતી મર્યાદિત રહે છે. તેના કારણે મૃતક પિતાની સંપત્તિમાં દીકરીનો અલગ અને કાયદેસર હક સમાપ્ત થતો નથી.

અર્થાત, જો કોઈ એક વારસદાર કાયદા હેઠળ સંપત્તિ મેળવવા માટે અયોગ્ય બને, તો તેનો અર્થ એવો નથી કે મૃતકની સંપત્તિ આપમેળે સંયુક્ત પરિવારના અન્ય સભ્યોની થઈ જાય.

જૂની ધારા 24 પણ ચર્ચામાં આવી

આ કેસમાં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની જૂની કલમ 24 (Section 24) મહત્વપૂર્ણ બની હતી. આ જોગવાઈ હેઠળ ચોક્કસ પરિસ્થિતિમાં બીજા લગ્ન કરનાર વિધવા મહિલાના વારસાઈ અધિકારને અસર થઈ શકતી હતી.

જોકે, વર્ષ 2005માં ધારા 24 દૂર કરવામાં આવી હતી. તેથી આ ચુકાદાને આજના દરેક કેસ માટે સીધો નિયમ માનવો યોગ્ય નથી. કેસમાં લાગુ પડતા સમયના કાયદા અને વ્યક્તિના મૃત્યુની તારીખ મહત્વપૂર્ણ હોય છે.

દીકરીનો અધિકાર અલગ છે

મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માતાની વૈવાહિક સ્થિતિ (Marital Status) બદલાવાથી દીકરીનો કાયદેસર વારસાઈ હક ખતમ થઈ શકતો નથી. લલિતમણિ તેમના પિતાની Class-I Legal Heir હોવાથી પિતાની સંપત્તિમાં રહેલા હિસ્સા પર દાવો કરી શકે છે.

આ ચુકાદો એ સિદ્ધાંતને મજબૂત કરે છે કે એક વારસદારના અધિકારને અસર કરતી કાનૂની અયોગ્યતા બીજા વારસદારના સ્વતંત્ર અધિકારને આપમેળે સમાપ્ત કરતી નથી. જોકે, સંપત્તિના ચોક્કસ કેસમાં લાગુ કાયદો અને પરિવારની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે, તેથી કાનૂની સલાહ લેવી જરૂરી છે.