સંસદની સ્થાયી સમિતિમાં 11 ભાજપ- 4 કોંગ્રેસી નેતાને બનાવ્યા અધ્યક્ષ, રાહુલ ગાંધી-કંગનાને મળી આ જવાબદારી
સંસદના વિવિધ મંત્રાલયોને લગતી 24 સ્થાયી સમિતિઓની જાહેરાત કરી દેવામા

સંસદના વિવિધ મંત્રાલયોને લગતી 24 સ્થાયી સમિતિઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુરુવારે આ સ્થાયી સમિતિઓના અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના નેતા ભર્તૃહરિ મહતાબ નાણાંકીય બાબતોની સમિતિના અધ્યક્ષ હશે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વિદેશી બાબતોની સમિતિનું નેતૃત્વ કરશે. જ્યારે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. બૃજલાલ કાયદા અને કર્મચારી મંત્રાલયની સમિતિના અધ્યક્ષ હશે.
સંસદની સ્થાયી સમિતિઓમાં વિવિધ પક્ષોના સાંસદો હોય છે. વિભાગ-સંબંધિત કુલ 24 સ્થાયી સમિતિઓમાંથી, 11 ભાજપના સભ્યોના નેતૃત્વમાં છે, જ્યારે ચાર સમિતિઓનું નેતૃત્વ તેના સાથી પક્ષોને સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ ચાર સમિતિઓની અધ્યક્ષતા કરશે. જ્યારે ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની આગેવાની હેઠળની બે સમિતિઓ અને સમાજવાદી પાર્ટીના સાંસદોની અધ્યક્ષતામાં એક સંસદીય સ્થાયી સમિતિ હશે.
રાહુલ ગાંધી સંરક્ષણ સમિતિના સભ્ય
સંરક્ષણ મંત્રાલયની જે સમિતિના રાહુલ ગાંધી સભ્ય બન્યા છે તેની અધ્યક્ષતા ભાજપના સાંસદ રાધા મોહન સિંહ કરશે. જ્યારે ભાજપના રાધા મોહન દાસ અગ્રવાલ ગૃહ બાબતોની સમિતિનું નેતૃત્વ કરશે. પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુર કોલસા, ખાણો અને સ્ટીલ પરની સમિતિના અધ્યક્ષ હશે. શિવસેનાના નેતા શ્રીરંગ અપ્પા બર્ને એનર્જી અને એનસીપીના નેતા સુનીલ તટકરે પેટ્રોલિયમ કમિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ટીએમસી અને ડીએમકેને બે-બે સમિતિની અધ્યક્ષતા મળી છે, જ્યારે જેડીયુ અને સપાને એક-એક સમિતિની કમાન સોંપવામાં આવી છે.
દિગ્વિજય સિંહના હાથમાં શિક્ષણ સમિતિની કમાન
ભાજપના સાંસદ નિશિકાંત દુબેને કોમ્યુનિકેશન અને આઈટી મંત્રાલયની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હિમાચલ- મંડી બીજેપી સાંસદ કંગના રનૌતને પણ આ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિની કમાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના હાથમાં રહેશે. ચરણજીત સિંહ ચન્નીને કૃષિ મંત્રાલયની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સંસદની સ્થાયી સમિતિઓમાં વિવિધ પક્ષોના સાંસદો હોય છે. આ સમિતિઓ વિવિધ બિલો અને મુદ્દાઓ પર વિચાર કરે છે અને ગૃહને તેમની ભલામણો આપે છે. સંસદની સ્થાયી સમિતિ એ સાંસદોની એક પેનલ છે જે બિલો અને મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરે છે. સમિતિઓ દ્વારા વિચારણા માટેના પગલાં ભરવા ગૃહને ભલામણ કરે છે. સ્થાયી સમિતિઓ સંસદના એક અધિનિયમ અથવા કાર્યસંચાલનના નિયમો અને જોગવાઈઓ અનુસાર કરવામાં આવે છે.






