શિક્ષક ભરતી અંગે કોર્ટના આદેશ બાદ ભાજપ સરકાર પર રાહુલ ગાંધીના પ્રહાર
અલાહાબાદ હાઈકોર્ટે યુપીમાં 69 હજાર શિક્ષકોની ભરતી મેરીટ લિસ્ટને રદ કરવાનો આદેશ

અલાહાબાદ હાઈકોર્ટે યુપીમાં 69 હજાર શિક્ષકોની ભરતી મેરીટ લિસ્ટને રદ કરવાનો આદેશ આપ્યો છે. એ પછી દેશભરમાં રાજનીતિ ગરમાઈ છે. આ મામલે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બીજેપી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "69,000 મદદનીશ શિક્ષકોની ભરતી પર અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય એ અનામત વ્યવસ્થા સાથે છેડછાડ કરનારી ભાજપ સરકારના કાવતરાનો જડબાતોડ જવાબ છે. 5 વર્ષથી શિયાળા, ઉનાળો અને વરસાદની ઋતુમાં સતત રસ્તાઓ પર સંઘર્ષ કરી રહેલા અમિત મૌર્ય જેવા હજારો લોકો માટે રાહત છે. માત્ર યુવાનો માટે જ નહીં પરંતુ સામાજિક ન્યાય માટે લડતા દરેક યોદ્ધાઓ માટે વિજય છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આરક્ષણ છીનવી લેવાની ભાજપની જીદથી અનેક નિર્દોષ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. પાંચ વર્ષની ઠોકરો ખાઈને બરબાદ થયા બાદ જેને નવી યાદીમાં નોકરીઓ મળશે અને જેમના નામ હવે લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. આ બંનેની ગુનેગાર ભાજપ છે.
ભણનારા વિદ્યાર્થીઓને લડવા મજબૂર કરનારી ભાજપ સરકાર ખરેખર યુવાનોની દુશ્મન છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ઉત્તર પ્રદેશમાં મદદનીશ શિક્ષક ભરતી હેઠળ 69 હજાર શિક્ષકોની નિમણૂંક માટે જૂન 2020માં જાહેર કરાયેલ પસંદગી યાદી અને 5 જાન્યુઆરી 2022ના રોજ 6800 ઉમેદવારોની પસંદગી યાદીને અવગણીને નવી યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.






