પ્રજ્વલ રેવન્ના પેનડ્રાઈવ સ્કેન્ડલ: કર્ણાટકની કોંગ્રેસ સરકાર પીડિતઓને કરશે આર્થિક મદદ
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જેડી(એસ)ના નેતા પ્રજ્વલ રેવન્ના

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જેડી(એસ)ના નેતા પ્રજ્વલ રેવન્ના દ્વારા કથિત રીતે જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓને આર્થિક મદદ કરશે. કોંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના કર્ણાટક પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
હાસન લોકસભા મતવિસ્તારમાંથી JD(S)-BJP ગઠબંધનના ઉમેદવાર પ્રજ્વલ પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે.
સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની સાથે, સુરજેવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર તેમના સહયોગી જેડી(એસ) ઉમેદવારને બચાવવાનો આરોપ મૂક્યો હતો. પ્રજ્વલ પર અનેક મહિલાઓ પર બળાત્કારનો આરોપ છે. તેમને પૂછ્યું, "પ્રજ્વલ વિશે માહિતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ JD(S) સાથે ગઠબંધન શા માટે કર્યું?"
સુરજેવાલાએ પૂછ્યું, "વડાપ્રધાને પ્રજ્વલનો રાજદ્વારી પાસપોર્ટ કેમ રદ ન કર્યો અને તેને પરત લાવવા માટે ઈન્ટરપોલ દ્વારા કોઈ બ્લુ કોર્નર નોટિસ કેમ બહાર પાડવામાં આવી નહીં?" તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પ્રજ્વલને પરત લાવવા માટે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવશે.






