PM મોદી પર ખડગેની વિવાદિત ટિપ્પણીથી રાજકીય ઘમાસાણ, BJP-NDAએ કોંગ્રેસને ઘેરી

બિહારના પટનામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ પિતા સામે કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બાપુ સભાગારમાં યોજાયેલી એક સભામાં ખડગેના નિવેદન બાદ જોરદાર હોબાળો મચી ગયો હતો. આ નિવેદન સામે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને એનડીએ ગઠબંધનના નેતાઓએ આકરી નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ પક્ષને આડે હાથ લીધો છે.
શિવરાજ સિંહ ચૌહાણે ખડગેના નિવેદનની આકરી ટીકા કરી
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખડગેના નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે, ‘વડાપ્રધાનના પિતા વિશે કરવામાં આવેલી આવી ટિપ્પણીથી હું અત્યંત દુઃખી છું. ખડગેજી જેવા વરિષ્ઠ નેતા પાસેથી આવી અભદ્ર ભાષા વાપરવાની અપેક્ષા નહોતી. ભારતના મૂલ્યો અને સંસ્કૃતિ સ્વર્ગસ્થ લોકોનું સન્માન કરવાનું શીખવે છે. આ દેશમાં દુશ્મનના ગયા પછી પણ તેના માટે ખરાબ ભાષા નથી બોલાતી. વારંવારની હારના કારણે કોંગ્રેસના નેતાઓ શું બોલી રહ્યા છે તેનું ભાન ભૂલી ગયા છે અને જાણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. આવા વ્યક્તિ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે યોગ્ય છે કે નહીં તે અંગે કોંગ્રેસે વિચારવું જોઈએ; કાં તો તેમને પદ પરથી હટાવો અથવા આખી કોંગ્રેસ જવાબ આપે.’
આ ખડગેના નહીં પણ રાહુલ ગાંધીના શબ્દો : સંબિત પાત્રા
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘ખડગે મારા પિતાની ઉંમરના છે અને લોકશાહીમાં આવા શબ્દો શોભતા નથી. મને નથી લાગતું કે આ ખડગેના પોતાના શબ્દો છે, આ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ભાષા છે. જ્યારે ખડગે મોદીજીને હટાવવાની વાતો કરતા હતા ત્યારે તેમની જ સભામાં કાર્યકરે કહ્યું કે મોદીજી ક્યાંય નહીં જાય, જેના પર ખડગેએ કહ્યું કે ‘મોદી કા બાપ ભી જાયેગા’. વાસ્તવમાં રાહુલ ગાંધી જ સુપર પ્રેસિડન્ટ છે અને ખડગે માત્ર નામ પૂરતા મુકાયા છે. કોંગ્રેસના સામાન્ય કાર્યકરો પણ સમજી ગયા છે કે વેકેશન મોડમાં રહેતા રાહુલ ગાંધી પક્ષને વિજય અપાવવા સક્ષમ નથી.’
મોદીજી 30 વર્ષ સુધી રહેશે, જનતા બદલો લેશે : ગિરિરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તીખો પ્રહાર કરતા કહ્યું કે, ‘ખડગે સાહેબ, જ્યારે વ્યક્તિ પર સંકટનો સમય આવે છે ત્યારે પહેલા તેની બુદ્ધિ મરી જાય છે. હું વિચારતો હતો કે માત્ર રાહુલ જ મૂર્ખ છે, પણ તમને સાંભળ્યા પછી લાગે છે કે આ તો આખું મૂર્ખોનું જૂથ છે. મોદીજી અહીં જ છે, મોદીજી રહેશે અને મોદીજી હજુ 30 વર્ષ સુધી રહેશે. કોંગ્રેસ તો પહેલેથી સાફ થઈ ચૂકી છે. તમારે ગાંધી-નેહરુ પરિવારની ગુલામી કરવી હોય તો કરો, પરંતુ મોદીજીના પિતાનું અપમાન કરવા બદલ દેશની જનતા તમને સજા કરશે.’
સતત હારથી કોંગ્રેસ નેતાઓની વિચારસરણી બગડી : રાજીવ રંજન પ્રસાદ
જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે, ‘ચૂંટણીઓમાં સતત મળી રહેલી હારના કારણે કોંગ્રેસ નેતાઓની વિચારસરણી બગડી ગઈ છે. ખડગે જેવા વરિષ્ઠ નેતા આવા નીચલા સ્તરની અપશબ્દો ભરેલી ભાષા પર ઉતરી આવ્યા અને પીએમ મોદી તેમજ તેમના સ્વર્ગસ્થ પિતાને નિશાન બનાવ્યા, તે અત્યંત અયોગ્ય છે. આ ઉપરાંત ચૂંટણીઓ અંગે ખડગેની ટિપ્પણી જનતાના જનાદેશની મજાક સમાન છે.’
ગરીબનો દીકરો વડાપ્રધાન બન્યો તે કોંગ્રેસથી સહન થતું નથી : આદિત્ય સાહુ
ઝારખંડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સાહુએ કહ્યું કે, ‘જ્યારથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક ગરીબનો દીકરો વડાપ્રધાનના પદ પર બેઠો છે તે વાત કોંગ્રેસ સહન કરી શકતી નથી. તેઓ માનતા હતા કે આ ખુરશી ફક્ત નેહરુ-ગાંધી પરિવારની જાગીર છે. તેઓ સતત વડાપ્રધાનનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે. પટનામાં ખડગેજી દ્વારા કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી તેમના કદના નેતાને જરાય શોભતી નથી.’
સ્વર્ગસ્થ પરિવારજનોને ઢસડવા એ વિપક્ષની સંસ્કૃતિ : નિતિન નવીન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘આજે પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે પ્રકારની અભદ્ર અને અસંસદીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે કોંગ્રેસ પક્ષની વિચારસરણી દર્શાવે છે. રાજકીય વિરોધની પણ એક ચોક્કસ મર્યાદા હોય છે, પરંતુ જાહેર મંચ પરથી ભાષણોમાં સ્વર્ગસ્થ પરિવારજનોને ઢસડવા એ હવે રાહુલ ગાંધી અને સમગ્ર વિપક્ષની અસલી સંસ્કૃતિ બની ગઈ છે. આ કોઈ ખડગેજીનું અંગત નિવેદન નથી, પરંતુ સમગ્ર કોંગ્રેસ પક્ષની વિચારસરણીમાં રહેલી મર્યાદાહીનતાનો પર્દાફાશ છે. જ્યારે વિપક્ષ પાસે દેશના વિકાસ, નીતિઓ અને જનકલ્યાણકારી યોજનાઓ પર ચર્ચા કરવા માટે કોઈ નક્કર મુદ્દા નથી બચતા, ત્યારે તેઓ આવી હતાશા અને વ્યક્તિગત હુમલાઓનો સહારો લે છે. દેશની જનતા આ પ્રકારના અશોભનીય રાજકારણને ખૂબ નજીકથી જોઈ રહી છે અને યોગ્ય સમયે તેનો જડબાતોડ જવાબ આપશે.’
ખડગેએ પોતાના આચરણ પર વિચાર કરવાની જરૂર : વિરેન્દ્ર સચદેવા
દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ ટિપ્પણી કરતા કહ્યું કે, ‘મલ્લિકાર્જુન ખડગે એક વરિષ્ઠ વડીલ વ્યક્તિ છે અને એક રાષ્ટ્રીય પક્ષના પ્રમુખ છે. જો તેમણે આવી ટિપ્પણી કરી હોય તો મારૂં માનવું છે કે તેમણે પોતાના આચરણ પર પણ આત્મમંથન કરવાની જરૂર છે.’
જનતાનો વિશ્વાસ જીતીને વડાપ્રધાન બનવું જોઈએ : બાબુલાલ મરાંડી
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘કોંગ્રેસના આવા પગલાં અને નિવેદનો તેમની હતાશા દર્શાવે છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન બનવા માટે લોકોનો વિશ્વાસ જીતવો જોઈએ, નહીં કે હતાશામાં આવા વલણો અપનાવવા જોઈએ.’
ખડગેએ મંચ પરથી શું કહ્યું હતું?
મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. આ દરમિયાન સભામાંથી એક વ્યક્તિએ ઊભા થઈને વિરોધ કર્યો અને કહ્યું કે ‘મોદી ક્યાંય નહીં જાય’. આ સાંભળીને ગુસ્સામાં આવી ખડગેએ મર્યાદા ગુમાવી દીધી હતી અને મંચ પરથી કહ્યું કે, ‘મોદી કા બાપ ભી જાયેગા.’ આ નિવેદન બાદ સભામાં હાજર કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કરનાર યુવક સાથે મારામારી પણ કરી હતી. આ ઉપરાંત ખડગેએ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વોટ ચોરીના આરોપ મૂકી ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.














