મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીએ 'મન કી બાત'ની 12 વર્ષની સફરને ગણાવી તીર્થયાત્રા, કહ્યું- શ્રોતાઓનો સ્નેહ મારી અમૂલ્ય સંપત્તિ

PM મોદીએ 'મન કી બાત'ની 12 વર્ષની સફરને ગણાવી તીર્થયાત્રા, કહ્યું- શ્રોતાઓનો સ્નેહ મારી અમૂલ્ય સંપત્તિ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની 12 વર્ષની સફરને 'તીર્થયાત્રા' સમાન ગણાવી હતી. તેમણે કહ્યું કે આ કાર્યક્રમના માધ્યમથી તેમને દેશના નાગરિકોના પ્રયાસોને નજીકથી સમજવાની અને તેમના યોગદાનને બિરદાવવાની તક મળી છે.

કાર્યક્રમના 139મા એપિસોડમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રેડિયો સંબોધન દ્વારા તેઓ એક રીતે દેશની સામૂહિક શક્તિ એટલે કે 'લોકશક્તિ'ની પૂજા કરે છે. આ કાર્યક્રમ તેમને દેશના દરેક પરિવાર સાથે જોડાવાની તક પણ આપે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, "મન કી બાતમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજથી 12 વર્ષ પહેલાં વિજયાદશમીના પવિત્ર અવસરે આપણે મન કી બાતની શરૂઆત કરી હતી. ત્યારથી અમારી આ સફર અવિરતપણે આગળ વધી રહી છે. તમે બધા આ સફરના સહયાત્રી પણ છો અને માર્ગદર્શક પણ." તેમણે કહ્યું કે, તેમના માટે મન કી બાત દેશના સામાન્ય નાગરિકોની મહેનત, વીરતા, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સેવાભાવનાં ગુણગાન ગાવાનો એક પવિત્ર અવસર રહ્યો છે.

'મન કી બાત' મારા માટે તીર્થયાત્રા સમાન છે: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા દેશમાં પ્રાચીન સમયથી તીર્થયાત્રાની પરંપરા રહી છે. તેમના માટે મન કી બાત પણ દેશના લોકોના પ્રયાસોને નજીકથી જાણવાની અને તેમના યોગદાનને નમન કરવાની તીર્થયાત્રાથી ઓછી નથી. કહ્યું કે, જે લોકો સમાજ અને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરે છે, તેઓ પોતે જ એક તીર્થસ્થાન સમાન હોય છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ 12 વર્ષ દરમિયાન દેશના દરેક ખૂણામાંથી અનેક એવા લોકો સામે આવ્યા છે, જેમણે અસાધારણ કાર્યો કર્યાં છે. જોકે, સામાન્ય રીતે સમાજનું ધ્યાન તેમના કાર્ય તરફ જતું નથી.

તેમણે કહ્યું કે મન કી બાતે આવી અસંખ્ય પ્રેરણાદાયી કહાનીઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી તેઓ એક રીતે દેશની સામૂહિક શક્તિની પૂજા કરે છે અને તેમને દેશના દરેક પરિવાર સાથે જોડાવાની તક મળે છે.

'મન કી બાત' સાંભળીને લાગે છે કે તમે પરિવારના સભ્ય બનીને વાત કરો છો

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેમને દરરોજ સેંકડો સંદેશાઓ મળે છે, જેમાં લોકો જણાવે છે કે મન કી બાત સાંભળ્યા પછી તેમને એવું લાગ્યું કે જાણે તેઓ તેમના પરિવારના એક સભ્ય તરીકે તેમની વચ્ચે બેઠા હોય અને તેમની સાથે વાતચીત કરી રહ્યા હોય. તેમણે કહ્યું, "શ્રોતાઓ તરફથી મળતી આ આત્મીયતા અને સ્નેહ મારા માટે અમૂલ્ય સંપત્તિ સમાન છે."

આ સમાચાર શેર કરો