હાફિઝ સઈદ સાથે મુલાકાત બદલ તત્કાલિન PMએ ધન્યવાદ પાઠવ્યા, આતંકી યાસીન મલિકનો દાવો
જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકવાદી યાસીન મલિકે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્વ

જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકવાદી યાસીન મલિકે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્વર્ગસ્થ ભૂતપૂર્વ PM મનમોહન સિંહનો ઉલ્લેખ કર્યો છે. તેમનો દાવો છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ સાથે મુલાકાત કર્યા બાદ તત્કાલીન વડાપ્રધાને તેનો આભાર માન્યો હતો. તેણે અન્ય ઘણા અગ્રણી નેતાઓના નામ પણ લીધા છે. મલિક આતંકવાદી ભંડોળના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
અહેવાલ મુજબ 25 એપ્રિલના રોજ દાખલ કરાયેલા સોગંદનામામાં, મલિકે 2006માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ સાથેની મુલાકાતનું વર્ણન કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે આ મુલાકાત પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવા માટે બેકચેનલ વાટાઘાટોનો એક ભાગ હતો. જે વરિષ્ઠ ભારતીય ગુપ્તચર અધિકારીઓના કહેવા પર કરાઈ હતી.
મલિકે દાવો કર્યો છે કે, ગુપ્તચર બ્યુરોના તત્કાલીન વિશેષ નિર્દેશક વીકે જોશી તેને દિલ્હીમાં મળ્યા હતા. આ મુલાકાત 2005ના કાશ્મીર ભૂકંપ પછી જ્યારે મલિક પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યો હતો એ સમયે થઈ હતી. અહેવાલ મુજબ જોશીએ કહ્યું હતું કે, કે આ તકનો ઉપયોગ પાકિસ્તાનના રાજકીય નેતૃત્વ અને આતંકવાદીઓનો સંપર્ક સાધવામાં કરે, જેથી વડાપ્રધાનના શાંતિ પ્રયાસોને સમર્થન મળે.
મલિકનો દાવો છે કે તેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદીઓને વાતચીતમાં સામેલ ન કરવામાં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથેની વાટાઘાટો કંઈ પરિણામ આપશે નહીં. આતંકવાદીએ કહ્યું કે, આ પછીથી તે સઈદ અને અન્ય લોકો સાથે મળવા સંમત થયો હતો. મલિકે પોતાના સોગંદનામામાં વર્ણવ્યું હતું કે, સઈદે કેવી રીતે જેહાદી જૂથોની બેઠક બોલાવી હતી.
પીએમનો જવાબ
રિપોર્ટ મુજબ, મલિક કહે છે કે આઈબી સાથે વાત કર્યા પછી, તેને સીધું વડાપ્રધાનને રિપોર્ટિંગ કરવા કહેવાયું હતું. તે સાંજે જ તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમકે નારાયણન સાથે તત્કાલીન પીએમ મનમોહનસિંહ સાથે મુલાકાત કરી હતી. મલિકનો દાવો છે કે સિંહે તેમના પ્રયાસો બદલ વ્યક્તિગત રીતે ધન્યવાદ પાઠવ્યા હતા.
રિપોર્ટ મુજબ મલિકે કહ્યું કે, જ્યારે હું પાકિસ્તાનથી દિલ્હી પાછો ફર્યો ત્યારે આઈબીના સ્પેશિયલ ડિરેક્ટર વીકે જોશી ડિબ્રીફિંગનો ભાગ હતા. તેઓ મને હોટલમાં મળ્યા. પીએમને બધી માહિતી આપવા કહ્યું. હું તે સાંજે એન.કે. નારાયણનની હાજરીમાં વડા પ્રધાનને મળ્યો. મેં તેમને મારી ત્યાંની મુલાકાત અને શક્યતાઓ વિશે જણાવ્યું. તેમણે મારા પ્રયત્નો, સમય, ધીરજ અને સમર્પણ બદલ આભાર માન્યો હતો. મલિકે તેના સોગંધનામામાં અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી, પી. ચિદમ્બરમ, આઈ.કે. ગુજરાલ અને રાજેશ પાયલટ સાથેની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો.








