Video: FICCI સંમેલનમાં પીએમ મોદીનો રાહુલ ગાંધીને જવાબ: અર્થતંત્ર અને નિકાસ અંગે દાવા-પ્રતિદાવા

સોર્સ: gstv

FICCIના શતાબ્દી સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બદલાયેલી આર્થિક તસવીર રજૂ કરવાની સાથે અગાઉની UPA સરકાર અને વિપક્ષ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં પ્રગતિની ગતિ ખૂબ જ ઝડપી છે અને લોકો ઝડપથી ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પણ ભારતની પ્રગતિની પ્રશંસા કરી રહી છે અને આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. વડાપ્રધાને કટાક્ષ કરતાં કહ્યું કે સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ વધતો નથી, જ્યારે ભારતનો વિકાસ દર લગભગ 7 ટકા રહેવાનો અંદાજ છે.

આ નિવેદનના એક દિવસ અગાઉ જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતની આર્થિક સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભારત આર્થિક તબાહીના આરે ઊભું છે. તેમના કહેવા મુજબ, આજે યુવાનોને એ વિશ્વાસ નથી રહ્યો કે તેમની ડિગ્રી તેમને નોકરી અપાવી શકશે, જ્યારે પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય બરબાદ થવાનો ડર સતાવી રહ્યો છે. રાહુલ ગાંધીએ દેશમાં રોજગારીની તકો ઘટી રહી હોવા અને આર્થિક અસમાનતા વધી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

જાહેરાત

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજનું ભારત એવું નથી, જેનો મજબૂત આર્થિક પાયો કોંગ્રેસે દાયકાઓની મહેનતથી તૈયાર કર્યો હતો. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં આરોપ લગાવ્યો કે મીડિયા આ સત્યને દબાવી શકે છે અને વડાપ્રધાન તેનાથી મોં ફેરવી શકે છે, પરંતુ વાસ્તવિકતા બદલી શકાતી નથી અને આ આર્થિક આપત્તિ ખુદ વડાપ્રધાને ઊભી કરી છે. બીજી તરફ, FICCIના સંમેલનમાં વડાપ્રધાન મોદીએ પલટવાર કરતાં જણાવ્યું કે ઓક્ટોબરમાં ભારતની માલસામાનની નિકાસ લગભગ 50 અબજ ડોલર રહી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. તેમણે ઉમેર્યું કે મૂડીઝ,  , ફિચ, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ પણ ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત