Video: પટિયાલા બાયપાસ પાસે ભાખરા નહેર પર બ્રિજ ધરાશાયી

ચંડીગઢ-બઠિંડા મુખ્ય માર્ગ પર સ્થિત પટિયાલા બાયપાસ પાસે ભાખડા નહેર પર બનાવવામાં આવેલો લોખંડનો પુલ ધરાશાયી થતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે...જ્યારે આ બ્રિજ ધરાશાયી થયો તે સમયે તેના પરથી ત્રણ ટ્રક પસાર થઈ રહ્યા હતા, જે આ અકસ્માતનો ભોગ બન્યા અને એક ટ્રકમાં તો ભીષણ આગ લાગી હતી...આ ભયાનક ઘટનામાં બે ટ્રક ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે, જ્યારે એક ટ્રકનો ચાલક સમયસૂચકતા વાપરીને કોઈક રીતે ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
આ જીવલેણ દુર્ઘટનામાં આબાદ બચી ગયેલા ટ્રક ડ્રાઈવરે સમગ્ર ઘટનાની આપવીતી વર્ણવી હતી અને સ્થાનિક પ્રશાસનની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. બચી ગયેલા ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, આ પુલની હાલત ઘણા લાંબા સમયથી અત્યંત જર્જરિત બનેલી હતી. પુલને તાત્કાલિક સમારકામની સખત જરૂર હતી, પરંતુ તંત્ર દ્વારા ધ્યાન અપાતુ નથી...
પટિયાલા બાયપાસ સ્થિત ભાખડા નહેર પરનો પુલ તૂટવાની જાણ થતાં જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન પટિયાલાના ડેપ્યુટી કમિશનર હિમાંશુ જૈને જણાવ્યું હતું કે પ્રશાસન તરફથી આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. તેમણે ખાતરી આપી હતી કે પુલ તૂટવાના કારણો અને જવાબદારી નક્કી કરવા માટે સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરાવવામાં આવી રહી છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી સાથે માર્ગ પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.












