Video: પટિયાલામાં કર્મભૂમિ એક્સપ્રેસ બની આગનો ગોળો? 4 બોગીઓ આગની લપેટમાં આવતા મચી ભારે નાસભાગ!

પંજાબના પટિયાલા નજીક કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ટ્રેનના ચાર ડબ્બાઓમાં એકાએક આગ ફાટી નીકળતાં ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના પગલે ટ્રેનમાં સવાર સેંકડો મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક અહેવાલો અનુસાર, ટ્રેન પોતાની ગતિએ દોડી રહી હતી ત્યારે અચાનક એક બોગીમાંથી શંકાસ્પદ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોતજોતામાં આગની જ્વાળાઓ વધુ ત્રણ ડબ્બાઓમાં પ્રસરી ગઈ હતી. બોગીઓમાં ધુમાડો ભરાઈ જતાં મુસાફરોનો દમ ઘૂંટાવા લાગ્યો હતો અને જીવ બચાવવા માટે ટ્રેન ધીમી પડતાં જ લોકો સામાન છોડીને બહાર કૂદવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ (RPF), સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ ટીમોએ સમયસૂચકતા વાપરીને આગની ઝપેટમાં આવેલા ડબ્બાઓને બાકીની ટ્રેનથી અલગ કર્યા હતા, જેના કારણે એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હોવાના પ્રાથમિક અહેવાલ છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણસર, તે અંગે રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.





