મહારાષ્ટ્ર પોલીટિક્સ : NCPના બંને જૂથો એક થશે? સુનિલ તટકરે-પ્રફુલ પટેલ મર્જરની તરફેણમાં, સુનેત્રા અને પાર્થ પવારનો ઉગ્ર વિરોધ!

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર જબરદસ્ત હલચલ મચી ગઈ છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોના સંભવિત વિલય (મર્જર)ને લઈને સૂત્રોના હવાલેથી એક અત્યંત સનસનીખેજ માહિતી સામે આવી છે. માહિતી મુજબ, સુનિલ તટકરે અને પ્રફુલ પટેલની આગેવાની ધરાવતો અજિત પવાર જૂથનો એક મોટો વર્ગ બંને NCP વચ્ચે મર્જર કરાવવાની તરફેણમાં છે, જ્યારે બીજી તરફ સુનેત્રા પવાર અને તેમના પુત્ર પાર્થ પવાર આ વિલયનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.
સૂત્રોનું માનીએ તો ભાજપ પણ ઈચ્છી રહ્યું છે કે શરદ પવારની આગેવાની હેઠળનું NCP (SP) જૂથ NDA ગઠબંધન સાથે જોડાઈ જાય. જો શરદ પવાર જૂથ જોડાય તો કેન્દ્રમાં એનડીએને તેમના સાંસદોનું મહત્વપૂર્ણ સમર્થન મળી શકે અને વિપક્ષી ઈન્ડિયા બ્લોકને પણ મોટો રાજકીય ફટકો પડે.
આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે પ્રફુલ પટેલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શરદ પવારની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે પીએમ મોદીના સંદેશ અને NCPના સંભવિત વિલય અંગે પણ મહત્વની ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પરંતુ પક્ષની અંદર જ આ બાબતે બે ફાંટા પડી ગયા છે. સુનેત્રા પવાર અને પાર્થ પવાર વિલય સામે અડગ હોવાથી અજિત પવાર જૂથની અંદર જ આંતરિક વિખવાદ અને અવિશ્વાસ વધી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શરદ પવારની નાદુરસ્ત તબિયત અને વરિષ્ઠ નેતાઓના દબાણ વચ્ચે સુનેત્રા અને પાર્થ પવાર સંયુક્ત NCPની માંગ સ્વીકારે છે કે પછી મહારાષ્ટ્રમાં સત્તા અને વર્ચસ્વની આ લડાઈ વધુ તીવ્ર બને છે.





