VIDEO : રાજ્યસભામાં પીએમ મોદીએ મણિપુર વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
PM modi in Rajya Sabha : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપ્યો

PM modi in Rajya Sabha : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપ્યો. તેમણે એક દિવસ અગાઉ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને પરજીવી ગણાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકવાનું ચાલુ રાખ્યું હતું. વડાપ્રધાનની સ્પીચ દરમિયાન જ વિપક્ષના સભ્યોએ વેલમાં ઉતરી ભારે નારેબાજી કરી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે પણ પીએમ મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.
મણિપુર વિશે પીએમ મોદીનું મોટું નિવેદન
આજે રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 11000થી વધુ એફઆઈઆર થઇ તો 500થી વધુ લોકોની ધરપકડ પણ થઈ. એ વાત સ્વીકારવી પડશે કે મણિપુરમાં હિંસાની ઘટના સતત ઘટતી જઈ રહી છે. શાંતિ સ્થપાશે તેવી આશા રાખવી એ સંભવ થયું છે. મણિપુરના મોટાભાગના હિસ્સામાં શાળાઓ અને ઓફિસો ખુલી ગઈ છે, પરીક્ષાઓ પણ યોજાઈ.
મણિપુરને લઈને રાજકીય ફાયદો ઊઠાવવાના પ્રયાસ
મણિપુરમાં સંઘર્ષની માનસિકતા ખૂબ જ ઊંડે ઊતરેલી છે જેને કોઈ ભૂલી ના શકે. આ કારણે ત્યાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ફરજ પડી. તેમ છતાં આજે લોકો મણિપુરને લઈને રાજકીય ફાયદો ઊઠાવવાના પ્રયાસ કરી રહ્યા છે. 1993માં આવી જ ઘટનાઓ બની હતી અને એટલી હદે વ્યાપક સ્તરે થયું કે 5 વર્ષ સુધી આવી ઘટનાઓ બનતી રહી.
કોંગ્રેસ બંધારણની સૌથી મોટી વિરોધી પાર્ટી
બંધારણને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'કોંગ્રેસ બંધારણની સૌથી મોટી વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ માટે પરિવાર સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. એક પરિવારની વ્યવસ્થા કયા બંધારણ હેઠળ જોવા મળે છે? કયું બંધારણ કેબિનેટ પ્રસ્તાવને તોડી પાડવાની તક આપે છે? જેઓ આજે બંધારણની જય કહે છે તેઓ ક્યારેક જય ઈન્દિરા કહેતા હતા. કટોકટીના પીડિતો આજે તેની પાસે જઈને બસી ગયા છે. આજે બંધારણને હાથમાં લઈને કાળા કૃત્યોને છુપાવી રહ્યા છે.







