PM મોદીને ધમકી આપનાર શખ્સ ઝડપાયો, ગુજરાતની એક કંપનીમાંથી કાઢી મુકાતા આપી હતી ધમકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.મિર્જા મોહમ્મદે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.મિર્જા મોહમ્મદે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દારુ પીવા પર તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો જે બાદ ફ્રસ્ટેશનમાં પીએમ મોદીને ધમકી આપતો કોલ કર્યો હતો. આરોપી ઝારખંડનો છે અને ગુજરાતની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો.
અજમેરમાં લોકેશન મળ્યું
પોલીસ તપાસમાં ખબર પડી કે તેને અન્ય રાજ્યની પોલીસને પણ આ રીતના મેસેજ મોકલ્યા હતા જેમાં ISI સાથે જોડાયેલા બે લોકો દ્વારા હુમલાની પણ વાત કહેવામાં આવી હતી. તપાસ કરી રહેલી મુંબઇ પોલીસની ટીમને આરોપીનું લોકેશન અજમેર (રાજસ્થાન) ટ્રેસ કર્યું હતું અને તપાસમાં ખબર પડી કે મેસેજ મોકલનારા વ્યક્તિનું નામ મિર્ઝા મોહમ્મદ બેગ (36) છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા નારાજ થઇને તેને મેસેજ મોકલ્યો હતો.
ઝારખંડનો છે આરોપી
આરોપીએ પોલીસ તપાસમાં જણાવ્યું કે તે ઝારખંડનો રહેવાસી છે અને ગુજરાતની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. એક દિવસ દારૂના નશામાં તે ઓફિસ પહોંચ્યો હતો જેને કારણે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા નારાજ થયેલા શખ્સે પીએમ મોદીને ધમકી આપતો કોલ મુંબઇ કંટ્રોલ રૂમમાં કર્યો હતો. મુંબઇ પોલીસની ટીમે આરોપીની અજમેરથી ધરપકડ કરી છે.
મુંબઇ પોલીસની ટીમ આરોપીને ટ્રાન્જિટ રિમાન્ડ પર મુંબઇ લઇ ગઇ છે અને આ ઘટનામાં આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી ઉપર BNSની કલમ 351 (3) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ
આ પહેલા પણ PM મોદીને આપવામાં આવી હતી ધમકી
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા પણ મુંબઇ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકી ભર્યો એક ફોન આવ્યો હતો. ફોન કરનારાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ધમકી આપતા કોલ કરનાર આરોપીની ઓળખ કરવામાં આવી હતી. મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધતા એક મહિલાની ઓળખ કરવામાં આવી હતી. જે મહિલા માનસિક રીતે પરેશાન હતી.








