‘કોંગ્રેસના શહેજાદાએ જેવી રીતે અમેઠી છોડ્યું વાયનાડ પણ છોડશે’, પીએમ મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર
Lok Sabha Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના શહેજાદાને

Lok Sabha Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના શહેજાદાને વાયનાડમાં પણ સંકટ જોવા મળી રહ્યું છે, જે રીતે અમેઠીથી ભાગવુ પડ્યું છે, તેવી રીતે વાયનાડ પણ છોડવું પડશે. મહત્ત્વપૂર્ણ છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. 2019માં પણ તે કોંગ્રેસનો ગઢ ગણાતી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, તેમણે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ હરાવ્યા હતા.
પીએમ મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં લોકોને સંબોધતા કહ્યું કે, કાલે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હું વોટિંગ કરનારા તમામ લોકોનો અને ખાસ કરીને પ્રથમ વખત મત આપનારા મતદારોનો આભાર માનું છું. પીએમ મોદીએ કહ્યું કે, મતદાન બાદ અલગ અલગ લોકોએ બૂથ લેવલ સુધીનું જે વિશ્લેષણ કર્યું અને જે જાણકારી મળી રહી છે, તેનાથી આ વિશ્વાસ પાક્કો થઇ રહ્યો છે કે પ્રથમ તબક્કામાં NDAના પક્ષમાં એક તરફી મતદાન થયું છે.
વોટર્સે INDIA ગઠબંધનને નકાર્યું- પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલા ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે વોટર પણ જોઇ રહ્યાં છે કે કેવી રીતે INDI ગઠબંધનના લોકો પોતાના સ્વાર્થમાં, પોતાના ભ્રષ્ટાચારને બચાવવા માટે એક સાથે આવ્યા છે. પ્રથમ તબક્કામાં મતદારોએ INDI ગઠબંધનને પુરી રીતે નકારી દીધો છે.
લોકસભા જનારા પણ રાજ્યસભાના રસ્તે પહોંચી રહ્યાં છે સંસદ
લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ લોકો જે પણ દાવા કરી લે પરંતુ સત્ય આ છે કે ચૂંટણીની જાહેરાત પહેલાથી જ કોંગ્રેસના નેતા પોતાની હાર માની ચુક્યા છે, માટે કેટલાક નેતા, જે સતત લોકસભામાં જીતીને આવતા હતા, આ વખતે તે રાજ્યસભાના રસ્તાથી અંદર જઇને બેસી ગયા છે. પીએમનો ઇશારો સોનિયા ગાંધી તરફ હતો જે આ વખતે રાયબરેલીથી લોકસભા ચૂંટણી નથી લડી રહ્યાં, તે રાજસ્થાનથી રાજ્યસભા પહોંચ્યા છે.
ઇન્ડિયા ગઠબંધનને ઉમેદવાર નથી મળતા- પીએમ મોદી
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, સ્થિતિ એવી છે કે INDI ગઠબંધનને આ ચૂંટણીમાં લડવા માટે ઉમેદવાર જ નથી મળતા. મોટાભાગની બેઠકો પર તેમના નેતા પ્રચાર કરવા જતા નથી. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસનો આ પરિવાર આઝાદી બાદ પ્રથમ વખત ખુદ કોંગ્રેસને જ મત નહીં આપે, કારણ કે જ્યાં તે રહે છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી, જે પરિવારના વિશ્વાસે કોંગ્રેસ ચાલે છે, તે પરિવાર ખુદ કોંગ્રેસને મત નહીં આપી શકે.
વાયનાડ છોડીને ભાગશે કોંગ્રેસના શહેજાદા- પીએમ મોદી
રાહુલ ગાંધીનું નામ લીધા વગર વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના શહેજાદાને પણ વાયનાડમાં સંકટ દેખાઇ રહ્યું છે. જેમ આ અમેઠીથી ભાગ્યા છે તેમ વાયનાડ પણ છોડશે. શહેજાદા અને તેમની ટોળકી 26 એપ્રિલે વાયનાડમાં મતદાનની રાહ જોઇ રહી છે. જેવા જ ત્યાં 26 એપ્રિલે મતદાન પૂર્ણ થશે, આ શહેજાદા માટે એક અન્ય સુરક્ષિત બેઠકની જાહેરાત કરી દેશે.
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે દાયકાઓ સુધી મહારાષ્ટ્ર અને ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડાના વિકાસનો શ્વાસ રોકવાનું કામ કર્યું છે. કોંગ્રેસના વલણને કારણે અહીં ખેડૂત ગરીબ થતા ગયા, ઉદ્યોગો સાથે જોડાયેલી સંભાવના ખત્મ થતી ગઇ અને લાખો યુવાઓએ પલાયન કરવું પડ્યું.








