PM મોદી સહિત આ નેતાઓ અનંત-રાધિકાના લગ્નમાં થઇ શકે છે સામેલ, 12 જુલાઇએ મુંબઇમાં ભવ્ય સમારંભ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઇએ લગ્ન કરવા જઇ રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ હાજર રહી શકે છે. પીએમ મોદીના સંભવિત પ્રવાસને કારણે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ટ્રાઇડન્ટ હોટલની આસપાસની બિલ્ડિંગમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે
વડાપ્રધાન મોદી 13 જુલાઇએ મુંબઇના પ્રવાસે છે. 13 જુલાઇએ પીએમ મોદી મુંબઇમાં કેટલાક વિકાસ કાર્યોની શરૂઆત કરશે. આ દરમિયાન પીએમ મોદી બોરીવલી-ઠાણે લિંક રોડ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડનું ભૂમિપૂજન કરશે. બન્ને પરિયોજનાઓની કિંમત 14 હજાર કરોડ કરતા વધારે છે.
અંબાણી પરિવારના લગ્નમાં સામેલ થઇ શકે છે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહારાષ્ટ્ર પ્રવાસને લઇને તંત્ર સતર્ક છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બેઠકની તૈયારી પર નજર રાખી રહ્યાં છે.
રાહુલ ગાંધી-મમતા બેનરજી સહિતના નેતાઓ પણ રહેશે હાજર
અનંત અંબાણી-રાધિકાના લગ્નમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મુકેશ અંબાણીએ તેમના ઘરે જઇને લગ્નનું આમંત્રણ આપ્યુ હતું. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ અનંત અંબાણીના લગ્નમાં ભાગ લેવા માટે મુંબઇ આવશે. આ દરમિયાન તે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત પણ કરી શકે છે. અનંતના લગ્નમાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહેશે.
જિયો વર્લ્ડ સેન્ટરમાં 7 ફેરા લેશે અનંત-રાધિકા
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઇએ લગ્ન કરવા જઇ રહ્યાં છે. બન્ને મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સના જિયો વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા ફરશે. આ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ ખાસ લગ્નમાં સામેલ થવા માટે દેશ અને દુનિયાની કેટલીક મોટી હસ્તીઓ મુંબઇ પહોંચી રહી છે. આ લગ્નમાં ફિલ્મ, બિઝનેસ, રાજકારણ સાથે જોડાયેલા કેટલાક લોકો સામેલ થશે.







