Video: મુંબઈના માટુંગામાં જ્વેલરી શોપ બહાર ગોળીબારથી ફફડાટ: બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કરી ફરાર, સદનસીબે કોઈ ઈજા નહિ

મુંબઈના માટુંગા વિસ્તારમાં ગોળીબારની ઘટના બનતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. એલ.જે. રોડ પર આવેલી જ્વેલરીની દુકાનની બહાર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને દુકાનના માલિક કે કર્મચારીઓ સુરક્ષિત છે.
આ ઘટના સાંજે લગભગ 7 વાગ્યાને 35 મિનિટે એલ.જે. રોડ પર શોભા હોટેલ જંકશન નજીક આવેલી જાગૃતિ સીએચએસ સ્થિત પી.સી. જૈન જ્વેલર્સની બહાર બની હતી. અજાણ્યા હુમલાખોરોએ પાંચથી છ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની ચર્ચા છે. પ્રાથમિક વિગતો મુજબ હેલ્મેટ પહેરેલા બે શખ્સો મોટરસાયકલ પર આવ્યા હતા અને જ્વેલરીની દુકાન પાસે ઉભા રહ્યા હતા. ત્યારબાદ બંને શખ્સો બાઇક પરથી ઉતરીને ફૂટપાથ પર આવ્યા હતા અને દુકાનની બહાર ગોળીબાર કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અચાનક થયેલા ગોળીબારના અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાએ વ્યસ્ત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.
ગોળીબારની જાણ થતાં જ માહિમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમે પણ સ્થળ પર પહોંચી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આરોપીઓની ઓળખ કરવા અને તેઓ કઈ દિશામાં ભાગ્યા તેની કડીઓ મેળવવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. હુમલા પાછળનો ચોક્કસ હેતુ હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ તપાસકર્તાઓ વ્યવસાયિક વિવાદ, આર્થિક મતભેદ કે અન્ય અંગત કારણો સહિતના મુદ્દાઓ પર તપાસ કરી શકે છે. જોકે, હુમલાખોરોની ઓળખ કે હેતુ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પુણેમાં પણ દિવસ દરમિયાન ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. એક જ દિવસમાં બનેલી આ ઘટનાઓએ મહારાષ્ટ્રમાં જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે, ત્યારે માટુંગા ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
















