'ભારત આમંત્રણ આપે તો પાકિસ્તાન વાતચીત માટે તૈયાર', દિલ્હી ખાતે SCO સમિટમાં પાડોશી દેશના મંત્રીનું મોટું નિવેદન

'ભારત આમંત્રણ આપે તો પાકિસ્તાન વાતચીત માટે તૈયાર', દિલ્હી ખાતે SCO સમિટમાં પાડોશી દેશના મંત્રીનું મોટું નિવેદન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હીની મુલાકાતે આવેલા પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ મલિકે ભારત-પાકિસ્તાન સંબંધો, આતંકવાદ અને સિંધુ જળ સંધિ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સંવાદમાં ભાગ લેવા આવેલા મલિકે જણાવ્યું હતું કે, ભારત તરફથી દ્વિપક્ષીય વાતચીત માટે કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું ન હોવાથી આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે તેમ નથી.

મુલાકાત માત્ર SCO સંવાદ પૂરતી મર્યાદિત

જાહેરાત

પાકિસ્તાની મંત્રી મુસાદિક મસૂદ મલિકે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર SCOની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા છે અને તેમનો ઉદ્દેશ્ય અહીંથી સંદેશ લઈને પોતાના દેશ પરત ફરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દ્વારા તેમને દ્વિપક્ષીય મંત્રણા માટે બોલાવવામાં આવ્યા નથી અને જ્યાં સુધી બંને દેશો વચ્ચે વાતચીતની કોઈ નિશ્ચિત પદ્ધતિ નક્કી ન થાય, ત્યાં સુધી આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી શક્ય નથી.

ભારત તરફથી પહેલ અને ઔપચારિક આમંત્રણની અપેક્ષા

મલિકે ભારપૂર્વક કહ્યું હતું કે તેમને એક પણ વાર દ્વિપક્ષીય વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જો ભારત કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા કરવા માટે બોલાવે, તો તેઓ તેમાં સામેલ થવા તૈયાર છે. જો કે, આ માટે પહેલા ભારતે વાતચીતનું આમંત્રણ આપવું પડશે. આમ, પાકિસ્તાન તરફથી વાતચીતની ઈચ્છા દર્શાવવાની સાથે તેમણે તેની પહેલ ભારત તરફથી થવી જોઈએ તેવી વાત મૂકી હતી. ઔપચારિક પહેલ થયા બાદ જ તેઓ આ મુદ્દાઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આતંકવાદના મુદ્દે પુરાવા આધારિત ચર્ચાનો આગ્રહ

આતંકવાદ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મલિકે કહ્યું હતું કે, આ મુદ્દે નક્કર પુરાવાઓના આધારે અને એક નિશ્ચિત પ્રક્રિયા હેઠળ વાતચીત થવી જોઈએ. આતંકવાદને કારણે અનેક દેશોને નુકસાન થયું છે અને પાકિસ્તાને પણ તેમાં પોતાના નાગરિકો ગુમાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. મલિકે દાવો કર્યો હતો કે, સમસ્યાના કાયમી ઉકેલ માટે પાકિસ્તાને અગાઉ પણ અનેકવાર દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર પુરાવા સાથે ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં બંને પક્ષો પોતપોતાના પુરાવા રજૂ કરે.

સિંધુ જળ સંધિ પર પણ આમંત્રણનો હવાલો

સિંધુ જળ સંધિ અંગે અગાઉ આપેલા નિવેદનો વિશે પૂછવામાં આવતા મલિકે ફરી એકવાર આમંત્રણ ન મળ્યું હોવાનો જ હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતે તેમને આ સંધિ પર વાતચીત કરવા માટે બોલાવ્યા નથી, પરંતુ જ્યારે આ મુદ્દે ચર્ચાનું આમંત્રણ મળશે ત્યારે તેઓ વાત કરવા તૈયાર છે. અંતમાં તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે તેમની દિલ્હી મુલાકાત માત્ર SCOના બહુપક્ષીય સંવાદ માટે જ હતી, દ્વિપક્ષીય મંત્રણા માટે નહીં; પરંતુ ઔપચારિક આમંત્રણ અને વાતચીતની પદ્ધતિ નક્કી થશે તો પાકિસ્તાન ચર્ચા કરવા તૈયાર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત