મણિપુરમાં કુકી યુવકોની હત્યાથી રોષ, કાંગપોકપીમાં બંધ લંબાવાયો,

મણિપુરમાં કુકી યુવકોની હત્યાથી રોષ, કાંગપોકપીમાં બંધ લંબાવાયો,
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મણિપુરમાં હિંસાની ઘટનાઓ વચ્ચે બે કુકી યુવકોની હત્યા બાદ ફરી તણાવ ફેલાયો છે. કાંગપોકપી જિલ્લામાં યુવકોની હત્યાના વિરોધમાં કુકી સંગઠન કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (COTU)એ બંધને વધુ 48 કલાક લંબાવવાની જાહેરાત કરી છે. આ પહેલાં સંગઠને રવિવારથી 24 કલાકના બંધનું એલાન આપ્યું હતું. મૃતદેહો મળ્યા બાદ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ પણ થઈ હતી.

પહાડી વિસ્તારમાંથી ક્ષતવિક્ષત મૃતદેહો મળ્યા

જાહેરાત

ગત સપ્તાહે તાફોઉ કુકી ગામમાંથી ગુમ થયેલા ટી. ચોંગલોઈ (21) અને પાઓગિનલાલ હેંગશિંગ (20)ના ક્ષતવિક્ષત મૃતદેહો રવિવારે સવારે પડોશી સેનાપતિ જિલ્લાના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 29 ઑક્ટોબરે ગુમ થયેલા બંને યુવકોની શોધખોળ દરમિયાન કેળાના બગીચામાં બોરીઓમાં ભરેલા તેમના મૃતદેહો મળી આવ્યા હતા. COTUએ બંને યુવકોની હત્યાના મામલે રાજ્યપાલે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સંગઠને હત્યાના વિરોધમાં બંધ લંબાવવાનો નિર્ણય લીધો છે.

પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

મૃતદેહો મળ્યા બાદ કાંગપોકપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં. પ્રદર્શનકારીઓએ અનેક રસ્તાઓ પર ટાયર સળગાવ્યા હતા અને લાકડાં તથા મોટા પથ્થરો મૂકીને માર્ગો અવરોધ્યા હતા. પોલીસે કેટલાક રસ્તાઓ પરથી અવરોધો દૂર કરાવ્યા હતા. સોમવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયર ગૅસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટિયર ગૅસનો શેલ વાગવાથી એક પ્રદર્શનકારીના માથામાં ઈજા થઈ હતી. તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું હતું.

તણાવને પગલે વધારાનાં સુરક્ષાદળો તહેનાત

જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં તણાવ યથાવત્ છે અને સોમવારે સવારે વધારાનાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. મણિપુરમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે બે યુવકોની હત્યાએ ફરી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત