મુખ્ય સામગ્રી પર જાઓ

બંગાળની ખાડીમાં વધુ એક સંકટ: ‘અર્નબ’ બાદ સક્રિય થશે ‘મુરાસુ’ વાવાઝોડું, આંધ્રપ્રદેશના કાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા

બંગાળની ખાડીમાં વધુ એક સંકટ: ‘અર્નબ’ બાદ સક્રિય થશે ‘મુરાસુ’ વાવાઝોડું, આંધ્રપ્રદેશના કાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અર્નબ વાવાઝોડાની અસર હજુ ઓછી થઈ નથી ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ મજબૂત બનીને ‘મુરાસુ’ નામના વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું 2 નવેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના કાંઠા નજીક પહોંચવાની અને 3 નવેમ્બરે કાંઠે ત્રાટકવાની શક્યતા છે. જોકે, તેની આગળની દિશા અને ગુજરાત પર થનારી સંભવિત અસર અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે.

બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય

જાહેરાત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં આંદામાન-નિકોબાર ટાપુઓ નજીક સર્જાયેલું વેલ માર્ક્ડ લો-પ્રેશર એરિયા વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ શ્રીવિજયપુરમથી આશરે 330 કિલોમીટરના અંતરે હતી અને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આગામી સમયમાં તે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, 2 નવેમ્બરની સાંજ સુધીમાં આ સિસ્ટમ આંધ્રપ્રદેશના કાંઠા નજીક પહોંચી શકે છે. ત્યારબાદ 3 નવેમ્બરે દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠે ત્રાટકવાની શક્યતા છે.

‘મુરાસુ’ નામ ભારતે સૂચવ્યું છે

અર્નબ બાદ સર્જાનારા સંભવિત વાવાઝોડાને ‘મુરાસુ’ નામ આપવામાં આવશે. આ નામ ભારતે સૂચવ્યું છે. તમિલ ભાષામાં ‘મુરાસુ’નો અર્થ નગારું અથવા ઢોલ થાય છે. પ્રાચીન સમયમાં નગારાનો ઉપયોગ યુદ્ધની ઘોષણા કરવા અને મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવા માટે થતો હતો. વાવાઝોડાંને અલગ-અલગ નામ આપવાનો હેતુ તેની ઓળખ સરળ બનાવવાનો અને તેની ગતિવિધિ અંગે લોકોને સ્પષ્ટ માહિતી પહોંચાડવાનો છે. એકથી વધુ વાવાઝોડાં સક્રિય હોય ત્યારે નામના આધારે તેમની ઓળખ અને હવામાન વિભાગની ચેતવણીઓ સમજવામાં સરળતા રહે છે.

ભારે વરસાદની આગાહી, ગુજરાત પર અસર અંગે નજર

સંભવિત વાવાઝોડાને પગલે આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 2 અને 3 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતનાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દરિયો તોફાની રહેવાની અને પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, વાવાઝોડું આંધ્રપ્રદેશના કાંઠે ત્રાટક્યા બાદ કઈ દિશામાં આગળ વધશે અને ગુજરાતમાં તેની કોઈ અસર થશે કે નહીં તે અંગે આગામી બે-ત્રણ દિવસમાં વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલ ગુજરાત પર તેની અસર અંગે ચોક્કસ આગાહી ઉપલબ્ધ નથી. તેથી હવામાન વિભાગની આગામી આગાહીઓ પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત