અર્નબના પ્રકોપ વચ્ચે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાના એંધાણ! ઓડિશા પર તોળાઈ રહ્યું છે જોખમ

દેશના દક્ષિણ અને પૂર્વ તટીય વિસ્તારોમાં 'અર્નબ' (Cyclone Arnab) વાવાઝોડાના કેર વચ્ચે હવે વધુ એક નવા વાવાઝોડાને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. વૈજ્ઞાનિક મોડેલો અને હવામાન નિષ્ણાતોના અહેવાલ મુજબ, અર્નબના પ્રકોપ બાદ બંગાળની ખાડીમાં વધુ એક નવું લો-પ્રેશર એરિયા (હવામાનનું હળવું દબાણ) સર્જાઈ શકે છે, જે નવેમ્બરની શરૂઆતમાં ઓડિશાના તટ તરફ આગળ વધી શકે છે.
કેમ ઊભી થઈ રહી છે બીજા વાવાઝોડાની શક્યતા?
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 27 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય હતી, જેમાં અર્નબ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ એક લો-પ્રેશર એરિયા બન્યો હતો. ECMWF અને IMD GFS જેવા કેટલાક અદ્યતન હવામાન મોડેલ એવો સંકેત આપી રહ્યા છે કે આ નવી સિસ્ટમ વધુ મજબૂત બનીને આગામી 1 થી 2 નવેમ્બરની આસપાસ વાવાઝોડુંનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ઓડિશા પર સંકટ
જો આ નવું વાવાઝોડું આકાર લેશે, તો અર્નબથી પ્રભાવિત વિસ્તારો ખાસ કરીને ઓડિશાના તટીય જિલ્લાઓમાં ફરી એકવાર ભારે વરસાદ અને તોફાની પવનોનું જોખમ વધી જશે.
હવામાન નિષ્ણાતોની સલાહ
જોકે, હવામાનશાસ્ત્રીઓ અને IMD એ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે આ માત્ર ગાણિતિક મોડેલોનું અનુમાન છે. અર્નબ વાવાઝોડાની ગતિ અને તેની અનિશ્ચિતતાઓને કારણે બીજા વાવાઝોડા અંગે હજુ સુધી કોઈ ચોક્કસ દાવો કરી શકાય નહીં. ભારતીય હવામાન વિભાગ (IMD) ડૉપ્લર રડાર દ્વારા હાલ 'અર્નબ' ની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અર્નબ સંપૂર્ણપણે નબળો પડ્યા બાદ જ બંગાળની ખાડીની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. તટીય પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, પરંતુ નાગરિકોને અફવાઓથી દૂર રહીને માત્ર IMD ના અધિકૃત બુલેટિન પર જ ભરોસો રાખવા અપીલ કરાઈ છે.ભારતના સુંદર શહેરો







