કામની ખબર / ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર થશે દંડ! વાંચો રેલ્વેનો નવો આદેશ
મહારાષ્ટ્રના બાંદ્રા ટર્મિનસમાં તાજેતરમાં થયેલી નાસભાગના થોડા દિવસો બાદ પશ્ચિમ રેલવેએ નવો આદ

મહારાષ્ટ્રના બાંદ્રા ટર્મિનસમાં તાજેતરમાં થયેલી નાસભાગના થોડા દિવસો બાદ પશ્ચિમ રેલવેએ નવો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ જો મુસાફરોનો સામાન તેમના સંબંધિત મુસાફરી વર્ગ માટે અનુમતિપાત્ર અને નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હશે તો તેમને દંડ કરવામાં આવશે. રેલ્વેએ લોકોને સ્ટેશનો પર ભીડ ન કરવા માટે પણ વિનંતી કરી છે.
આ પણ વાંચો: ના હોય! ફટાકડા ફોડ્યા તો થશે 2000નો દંડ, વાંચો શું છે સમગ્ર મામલો
નવી માર્ગદર્શિકા
પશ્ચિમ રેલ્વેએ મંગળવારે જણાવ્યું હતું કે, 'રેલ્વે તેના દરેક મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન કોઈપણ ચાર્જ વિના માત્ર ચોક્કસ વજનનો સામાન લઈ જવાની મંજૂરી આપે છે, પરંતુ સ્કૂટર અને સાઈકલ જેવી વસ્તુઓ સહિત 100 સેમી લંબાઈ, 100 સેમી અને 70 સેમી ઉંચાઈથી વધુ મોટી વસ્તુઓ વિના મૂલ્યે લઈ જવા દેવામાં આવશે નહીં.
'નિયત સામાન મર્યાદાનું પણ પાલન કરો'
વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'પશ્ચિમ રેલ્વે તમામ મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ સ્ટેશનો પર ભીડભાડ ટાળે અને ટ્રેનના સમયપત્રક મુજબ જરૂરી હોય ત્યારે જ પરિસરમાં પ્રવેશ કરે અને નિયત સામાન મર્યાદાનું પણ પાલન કરે.'
આ આદેશ 8 નવેમ્બર સુધી અમલમાં રહેશે
પશ્ચિમ રેલ્વેએ તમામ મુસાફરોને સામાનની મહત્તમ મર્યાદા સંબંધિત નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. મુસાફરોને કહેવામાં આવ્યું છે કે, મુસાફરીના વિવિધ વર્ગો માટે નિ:શુલ્ક છૂટ અલગ અલગ હોય છે. જો સામાન મર્યાદા કરતાં વધારે હશે તો તે મુજબ દંડ વસૂલવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે અને 8 નવેમ્બર સુધી અમલમાં રહેશે.
તહેવારોની સિઝન દરમિયાન પાર્સલ બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં બાંદ્રા ટર્મિનસ, વાપી, વલસાડ, ઉધના અને સુરત ખાતેની પાર્સલ ઓફિસોમાં બુકિંગમાં વધુ વધારો જોવા મળ્યો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન પહેલા પાર્સલ કન્સાઇનમેન્ટને પ્લેટફોર્મ પર લાંબા સમય સુધી સંગ્રહિત ન રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
10 લોકો ઘાયલ થયા હતા
મુંબઈના બાંદ્રા ટર્મિનસ ખાતે રવિવારે ગોરખપુર જતી અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં ચડતી વખતે નાસભાગ મચી જવાથી દસ લોકો ઘાયલ થયા હતા. પશ્ચિમ રેલ્વેએ પહેલાથી જ પસંદગીના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો છે, જે 8 નવેમ્બર સુધી અમલમાં રહેશે.








