મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી સરકારમાં બજેટ રજૂ કરતાંની સાથે જ રેકોર્ડ બનાવશે નિર્મલા સીતારમન, આ મહિને રજૂ થશે પૂર્ણકાલિન બજેટ 

લોકસભામાં એનડીએને બહુમત મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજ

મોદી સરકારમાં બજેટ રજૂ કરતાંની સાથે જ રેકોર્ડ બનાવશે નિર્મલા સીતારમન, આ મહિને રજૂ થશે પૂર્ણકાલિન બજેટ 

લોકસભામાં એનડીએને બહુમત મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ સોમવારે તમામ મંત્રીઓને તેમના ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે. અગાઉની સરકારમાં લગભગ તમામ મહત્વના વિભાગો આ વખતે પણ રિપિટ કરાયા છે.મોદી સરકાર 2.0માં 5 વર્ષ સુધી નાણામંત્રી રહેલા નિર્મલા સીતારમનને ફરી એક વખત નાણામંત્રાલયનો હવાલો અપાયો છે. તેમણે ફેબ્રુઆરી 2024 માં વચગાળાનું બજેટ રજૂ કરીને સતત છ બજેટ રજૂ કરનાર પ્રથમ નાણાંમંત્રી બન્યા. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ પીએમ મોરારજી દેસાઈના નામે હતો. હવે જુલાઈમાં (પૂર્ણકાળનું) સાતમું બજેટ રજૂ કરીને મોરારજી દેસાઈથી આગળ નીકળી જશે. જોકે, વધુમાં વધુ 10 બજેટ રજૂ કરવાનો મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડવા માટે હજુ થોડા વર્ષો રાહ જોવી પડશે.

વડાપ્રધાન મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળમાં  ફરી એકવાર નિર્મલા સીતારમન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે 2019ના સંપૂર્ણ બજેટથી શરૂ કરીને છ બજેટ રજૂ કર્યા છે. 5 વર્ષ સુધી નાણામંત્રીના કાર્યકાળ દરમિયાન તેમણે 6 બજેટ રજૂ કર્યા છે. જેમાં 5 પૂર્ણ અને એક વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. આ અગાઉ તે થોડા મહિના માટે નાણા રાજ્ય મંત્રી પણ રહ્યા હતા.
 
વર્ષ 2019માં અરુણ જેટલી પાસેથી નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળતા દેશના પ્રથમ મહિલા નાણામંત્રી બનવાનું સૌભાગ્ય પણ નિર્મલા સીતારમનને મળ્યું છે. નાણામંત્રી તરીકે તેમના દ્વારા શરૂ કરાયેલા મુખ્ય સુધારાઓમાં બેઝ કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવાનો હતો. કોવિડ રોગચાળાના પડકારોમાંથી  અર્થવ્યવસ્થાને બહાર કાઢીને તેમણે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની પણ જાહેરાત કરી હતી. જે ભારતના જીડીપીના 10 ટકા જેટલું હતું.
 
દેશમાં સૌથી વધુ  10 બજેટ મોરારજી દેસાઈએ રજૂ કર્યા છે. પી ચિદમ્બરમ 9 બજેટ સાથે બીજા અને પ્રણવ મુખર્જી 8 બજેટ સાથે ત્રીજા સ્થાને છે. યશવંત સિન્હા અને સીડી દેશમુખે 7 વખત બજેટ રજૂ કર્યું છે. મનમોહન સિંહે 6 વખત બજેટ રજૂ કર્યું છે. ઈન્દિરા ગાંધી બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા હતા. જોકે, તેમણે પ્રધાનમંત્રીના હોદ્દા ઉપર રહીને આ બજેટ રજૂ કર્યું હતું.

આ સમાચાર શેર કરો