મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શ્રીનગરમાં 9 જગ્યાએ NIAના દરોડા, આતંકી ગતિવિધિમાં સામેલ લોકો પર કાર્યવાહી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 9 જગ્યા પર દરોડા પાડ્યા

શ્રીનગરમાં 9 જગ્યાએ NIAના દરોડા, આતંકી ગતિવિધિમાં સામેલ લોકો પર કાર્યવાહી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 9 જગ્યા પર દરોડા પાડ્યા છે. NIAની ટીમ સાથે પોલીસ અને CRPFની ટીમ પણ હાજર છે. શ્રીનગરમાં રહેતા કેટલાક શંકાસ્પદો મામલે જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા 10 ફેબ્રુઆરી 2024માં પણ NIAએ જમ્મુ કાશ્મીરમાં એક સાથે કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા.

NIAએ શ્રીનગરના કલમદાનપોરામાં મુજમ્મિલ શફી ખાન (25)ના ઘરે દરોડા પાડ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે મુજમ્મિલ રેવલોન કંપનીમાં કોસ્મેટિક માર્કેટિંગનું કામ કરે છે. આ સાથે જ તપાસ એજન્સીએ શ્રીનગરના નવાબજારમાં પણ દરોડા પાડ્યા હતા. નવાબજાર બાદ તપાસ એજન્સીએ શ્રીનગરના ગોકદલમાં મુસ્તાક અહેમદના ઘરે દરોડા પાડ્યા હતા. મુસ્તાક રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી રિટાયર્ડ છે.

SIAએ પણ પકડ્યું હતું ટેરર ફંડિંગ નેટવર્ક

તાજેતરમાં જાન્યુઆરીમાં વિશેષ તપાસ એજન્સી (SIA)એ આતંકી ફંડિગમાં સામેલ એક પોલીસ કર્મી સહિત બે લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા બન્ને આરોપીઓ પર ક્રૉસ બૉર્ડર નાર્કોટિક્સ સિન્ડિકેટમાં સામેલ થવાનો આરોપ હતો. ટેરર ફંડિંગ કેસમાં જમ્મુના સિલેક્શન ગ્રેન્ડ કોન્સ્ટેબલ સૈફ-ઉદ દીન અને ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ઉરીના પૂર્વ સરપંચ ફારૂક અહેમદ જંગલની ધરપકડ કરવામાં આવી હતી.

70થી વધુ જગ્યાએ NIAએ પાડ્યા હતા દરોડા

આ પહેલા શ્રીનગરમાં G20ની બેઠક પહેલા આતંકવાદ સાથે જોડાયેલી ઘટનામાં જમ્મુ કાશ્મીરના સાત જિલ્લા શ્રીનગર, પુલવામા, અવંતીપોરા, અનંતનાગ, શોપિયાં, પૂંછ અને કુપવાડામાં 15 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા પણ NIA 70થી વધુ જગ્યાએ આતંકીઓ અને તેમની મદદ કરનારાઓ પર દરોડા પાડી ચુકી છે.

આ સમાચાર શેર કરો