મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છોકરો થયો તો ગાય, છોકરીના 50 હજાર રોકડા, ત્રીજું બાળક પેદા કરનારને ઈન્સેન્ટિવઃ સાંસદે કરી જાહેરાત

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની રાજ્યના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલને સમર્થન આપતાં વિ

છોકરો થયો તો ગાય, છોકરીના 50 હજાર રોકડા, ત્રીજું બાળક પેદા કરનારને ઈન્સેન્ટિવઃ સાંસદે કરી જાહેરાત

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની રાજ્યના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલને સમર્થન આપતાં  વિજયનગરમમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ કાલી સેટ્ટી અપ્પાલા નાયડૂએ ત્રીજા બાળકના જન્મ પર મહિલાઓને ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. કાલી સેટ્ટીની આ વિચિત્ર જાહેરાત ચર્ચાનો વિષય બની છે. તેમણે મહિલાઓને ત્રીજુ બાળક પેદા કરવા પર રૂપિયા અને ગાયની ભેટ આપવાનું વચન આપ્યું છે. આ ભેટ પોતાના પગારમાંથી જ આપશે.

આ રકમ મારા પગારમાંથી જ અપાશે

વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વસ્તી વૃદ્ધિ માટે લેવાયેલા પગલાંઓને સમર્થન આપતાં સાંસદે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. સાંસદ કાલી સેટ્ટીએ જાહેરાત કરી છે કે, જો ત્રીજું બાળક દિકરો થયો તો ગાય અને દિકરી થઈ તો રૂ. 50,000 રોકડ ભેટ આપવામાં આવશે. આ રકમ મારા પગારમાંથી જ અપાશે.

CM ચંદ્રબાબુએ મેટરનિટી લીવમાં ફેરફાર કર્યો

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પ્રકાશમ જિલ્લાના મરકાપુરમાં આયોજિત એક કાર્યક્રમ પર જાહેરાત કરી હતી કે, તમામ મહિલા કર્મચારીઓને પ્રસૂતિ દરમિયાન મેટરનિટી લીવ આપવામાં આવશે. ભલે, તેના ગમે તેટલા બાળકો હોય. તમામ મહિલાઓને યથાસંભવ વધુને વધુ બાળકોને જન્મ આપવા પણ અપીલ છે. ઉલ્લેખનીય છે, અત્યારસુધી મહિલા કર્મચારીઓને માત્ર બે પ્રસૂતિ માટે છ મહિનાની મેટરનિટી લીવ મળતી હતી. પરંતુ હવે મુખ્યમંત્રીની જાહેરાતથી મહિલાઓને પોતાની દરેક પ્રસૂતિ દરમિયાન મેટરનિટી લીવ મળશે. માર્ચમાં દિલ્હી બેઠક દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુએ દક્ષિણ ભારતમાં ઘટી રહેલી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરી જાહેરાત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિજયનગરમના રાજીવ સ્પોર્ટ્સ કમ્પાઉન્ડમાં આયોજિત એક બેઠકને સંબોધિત કરતાં વિજયનગરમના સાંસસદે જાહેરાત કરી હતી કે, જો કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપે છે, તો દિકરી થવા પર રૂ. 50,000 અને દિકરો થવા પર એક ગાય ભેટ સ્વરૂપે મળશે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ છે. ઘણા યુઝર્સે ટીખળ કરી છે કે, બાળક સંભાળીશું કે ગાય. એક યુઝરે લખ્યું છે કે, બાળકનો સંપૂર્ણ ખર્ચો કોણ કરશે?

આ સમાચાર શેર કરો