દિલ્હીમાં લાગેલી ભીષણ આગમાં 800થી વધુ ઝૂંપડાં બળીને ખાખ, સામે આવી ભયાનક તસવીરો
દિલ્હીના રોહિણીના સેક્ટર 17ની ઝૂંપડપટ્ટીમાં રવિવારે (27 એપ્રિલ) સવારે ભીષણ આગ

દિલ્હીના રોહિણીના સેક્ટર 17ની ઝૂંપડપટ્ટીમાં રવિવારે (27 એપ્રિલ) સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં બે બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે અગ્નિશામકોએ ત્રણ કલાકના અથાક પ્રયાસો બાદ આગને કાબૂમાં લીધી હતી, પરંતુ સ્થળ પર કાબૂ મેળવવાની કામગીરી હજુ પણ ચાલુ છે.
રોહિણીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમિત ગોયલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી અઢી વર્ષ અને ત્રણ વર્ષના બે બાળકોના સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. DFSના એક અધિકારીએ જણાવ્યું કે, તેમને સવારે 11:55 વાગ્યે આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશનરે કહ્યું કે સેક્ટર 17માં શ્રીનિકેતન એપાર્ટમેન્ટ પાસે આગ લાગવાની માહિતી મળી હતી. અમે તરત જ 17 ફાયર એન્જિન મોકલ્યા હતા. ભીષણ આગના અહેવાલ બાદ વધુ વાહનો અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે રોહિણી વિસ્તારમાં આગને કારણે લગભગ પાંચ એકરમાં ફેલાયેલી 800થી વધુ ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. અગ્નિશામક દળના જવાનો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આકાશમાં ધુમાડાના ગાઢ વાદળો વધી રહ્યા હતા.
DFS અધિકારીએ જણાવ્યું કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ હવે સંપૂર્ણ કાબૂમાં છે. ફાયર વિભાગની સાથે પોલીસની અનેક ટીમો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.
ડીએફએસના જણાવ્યા મુજબ, આગ સૌપ્રથમ ઝૂંપડપટ્ટીમાં લાગી હતી અને તેણે તરત જ સમગ્ર વિસ્તારને લપેટમાં લીધો હતો.








