મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચોમાસુ આજે કર્ણાટક પહોંચવાની સંભાવના, દસ વર્ષ બાદ દક્ષિણ અને પૂર્વ ભારતમાં એક સાથે  વર્ષા ઋતુનું આગમન 

મુંબઇ સહિત આખા ભારત માટે ભીના ભીના શુભ સમાચાર છે. સમાચાર એ છે કે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્ય

ચોમાસુ આજે કર્ણાટક પહોંચવાની સંભાવના, દસ વર્ષ બાદ દક્ષિણ અને પૂર્વ ભારતમાં એક સાથે  વર્ષા ઋતુનું આગમન 

મુંબઇ સહિત આખા ભારત માટે ભીના ભીના શુભ સમાચાર છે. સમાચાર એ છે કે  હવામાન વિભાગે સત્તાવાર રીતે  જાહેર કર્યું છે કે આજે ૨૦૨૪ની ૩૦,મે એ નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન કેરળના સમુદ્રમાં  બે દિવસ વહેલાં થયું છે. સાથોસાથ પૂર્વ ભારતમાં પણ આજે ૩૦,મે એ વર્ષા ઋતુ આગમન બે દિવસ વહેલાં  થયું છે. 

આમ  આજેદક્ષિણ ભારતમાં અને પૂર્વભારતમાં એમ બંને પ્રદેશમાં ચોમાસાનું આગમન એક સાથે થયું છે. આમ તો દક્ષિણ ભારતનું કેરળ નૈઋત્યના ચોમાસાના આગમનનું પ્રવેશદ્વાર ગણાય છે.  

હવામાન વિભાગે તો એવો મજબૂત વરતારો પણ આપ્યો છે કે આજે નૈઋત્યની વર્ષા ઋતુના દક્ષિણના કેરળમાં અને પૂર્વ ભારતના આગમન સાથેનાં તમામ કુદરતી પરિબળો એટલાં બધાં સાનુકુળ છે કે આવતીકાલે ૩૧,મે એ મેઘરાજાની સવારી કેરળથી કર્ણાટક સુધી પહોંચી જવાની પૂરી સંભાવના છે.  

હવામાન વિભાગ(દિલ્હી--હેડ ઓફિસ)ના ડાયરેક્ટર ડો.જેના મણીએ ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં કહ્યું છે કે આજનું નૈઋત્યના ચોમાસાનું આગમન પરંપરાગત રીતનું સામાન્ય નહીં પણ ભારે વરસાદ સાથેનું છે. અગાઉનાં વરસોમાં વર્ષા ઋતુનું આગમન સાધારણ વરસાદ સાથે થયું છે.જ્યારે હાલ છેલ્લા ત્રણેક દિવસથી કેરળ સહિત આંદામાન, નિકોબાર, સિક્કિમ વગેરે પ્રદેશોમાં મુશળધાર વર્ષા થઇ રહી છે. 

ઉપરાંત, ૨૦૨૪ની વર્ષા ઋતુનું આગમન  દક્ષિણ ભારત સાથે પૂર્વ ભારતમાં, એમ બંને પ્રદેશમાં એક સાથે થયું છે. આવો સાનુકુળ  કુદરતી ક્રમ દસ(૧૦) વર્ષ બાદ બન્યો છે. સરળ રીતે સમજીએ તો આ વર્ષનું ચોમાસું સમુદ્રમાં અને જમીન પર એક સાથે શરૂ  થયું છે. એટલે કે આ વરસે કુદરતી પરિબળો બહુ બહુ સાનુકુળ છે.સાથોસાથ,આ પરિબળોની તીવ્રતા પણ વધુ છે.

 હાલ નૈઋત્યની વર્ષા ઋતુના આગમન માટે ભૂમધ્ય  મહાસાગરમાંનાં કુદરતી પરિબળો, દક્ષિણ ભારતનાં ૧૪ વેધર સ્ટેશનમાંનાં ૬૦ ટકા કરતાં વધુ મથકોમાં સતત બે દિવસ સુધી ૨.૫ મિલિમીટર કરતાંવધુ વર્ષા ,નૈઋત્ય દિશાના ભેજવાળા પવનો, તેની દિશા, આકાશમાં ત્રણ કિલોમીટરના અંતરે પવનની ગતિ,આઉટગોઇંગ લોન્ગ વે રેડિયેશન સહિત વરસાદી વાદળોનો વિશાળ જમઘટ અને વાદળોની ઉંચાઇ વગેરે પ્રાકૃતિક પરિબળો અત્યંત સાનુકુળ બની રહ્યાં છે.  

મહત્વનું પરિબળ અલ નીનો (પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોને અલ નીનો ,જ્યારે ઠંડા પવનોને લા નીના કહેવાય છે)  પરિબળની અસર ૨૦૨૪ના જૂન દરમિયાન મંદ થતી જશે.સાથોસાથ લા નીના પરિબળની સાનુકુળ અસર પણ વરતાવી શરૂ થશે.ઉપરાંત, ઇન્ડિયન ઓશન ડાઇપોલ (આઇ.ઓ.ડી.)નું પરિબળ અને યુરોપમાં બરફનું પ્રમાણ વગેરે કુદરતી પરિબળો પણ ઘણાં ઘણાં સાનુકુળ બની રહ્યાં હોવાથી આ વરસે ભારતમાં લગભગ ૧૦૬ ટકા જેટલો ઘણો સારો વરસાદ વરસવાની પૂરી સંભાવના છે. 

હવે આ બધાં કુદરતી પરિબળો આ જ તીવ્રતાથી સાનુકુળ બની રહેશે તો ચોમાસુ કેરળ,તામિલનાડુ,કર્ણાટક થઇને ગોવા અને મહારાષ્ટ્ર, ગુજરાત તરફ પણ આગળ વધે તેવી શક્યતા છે. 

ડો.જેના મણીએ જોકે  ભારપૂર્વક એવી સ્પષ્ટતા પણ કરી છે કે  આ બધાં પ્રાકૃતિક પરિબળો આગળ વધે તેની સાથે તેની સાનુકુળતા અને તીવ્રતા પણ જળવાઇ રહેવી જરૂરી છે. તો જ ચોમાસાની યાત્રા આગળ વધી શકે.નહીં તો નહીં. 

 હવામાન વિભાગે ગયા એપ્રિલમાં  તેની લાંબા સમયગાળાની આગાહીમાં એવો સંકેત  આપ્યો  છે કે ૨૦૨૪ની ચાર મહિના(જૂનથી સપ્ટેમ્બર)ની વર્ષા ઋતુ દરમિયાન ભારતમાં સરેરાશ ૧૦૬ ટકા જેટલો વરસાદ વરસવાની  સંભાવના છે. એટલે કે આ વરસે દેશમાં કાચા સોના જેવો વરસાદ વરસવાનો વરતારો છે.જોેકે ઉત્તર-પશ્ચિમ(વાયવ્ય), પૂર્વ, પૂર્વોત્તર ભારતમાં ઓછી વર્ષા થવાની પણ શક્યતા છે. 

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે આમ તો દર ચોમાસાની પેટર્ન જુદી  જુદી હોય.  ક્યારેય એક સરખી ન હોય. એટલે કે દર વરસની વર્ષાના આગમનનો મિજાજ અને રૂપરંગ અલગ હોય. ૨૦૨૪ની વર્ષા ઋતુના આગમનમાં કુદરતી પરિબળો ઘણાં સાનુકુળ બન્યાં હોવાથી મેઘરાજાની સવારી બે દિવસ વહેલાં આવી પહોંચી છે.જોકે  ભૂતકાળમાં પણ ચોમાસાનું આગમન  કેરળના સમુદ્રમાં વહેલું થયું છે. મહત્વની બાબત એ છે કે હવે આ જ પરિબળો સતત અને પૂરી તીવ્રતા સાથે સાનુકુળ રહેશે તો ભારતનાં અન્ય રાજ્યોમાંનો તેનો પ્રવાસ પણ  સરળ રહેશે. 

આ સમાચાર શેર કરો