મોદી સરકાર OBC માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં, સાત વર્ષમાં નથી થયું તે હવે થશે?
ઓબીસી (અન્ય પછાત વર્ગો )ના ક્રિમી લેયરનો વ્યાપ વધારવાની માંગ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શક

ઓબીસી (અન્ય પછાત વર્ગો )ના ક્રિમી લેયરનો વ્યાપ વધારવાની માંગ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે ઓબીસી સંગઠનો સાથે ચર્ચા શરૂ કરી છે. હાલમા જે સંકેતો મળી રહ્યા છે, તે પ્રમાણે ક્રિમી લેયરની મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. હાલમાં OBC ક્રિમી લેયરની મર્યાદા 8 લાખ રૂપિયા છે, જે 2017થી વધારવામાં આવી નથી. અગાઉ દર ત્રણ વર્ષે તેની સમીક્ષા કરવામાં આવતી હતી.
આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પણ કેન્દ્રને OBC ક્રિમી લેયરનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે આ પ્રસ્તાવ આવ્યો તે પહેલાથી કેન્દ્ર સરકાર આ મુદ્દે કામ કરી રહી હતી. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે પણ આ મુદ્દે ઓબીસી સંગઠનો સાથે ચર્ચા પણ કરી છે. OBC સંગઠનોએ ક્રિમી લેયરનો વ્યાપ વધારીને 15 લાખ રૂપિયા કરવાની માંગણી કરી છે.
ક્રિમી લેયર શું છે?
ક્રીમી લેયરમાં આવતાં ઓબીસી વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળતો નથી. માત્ર વંચિતોને જ અનામતનો લાભ મળે, તે માટે ક્રિમી લેયરની જોગવાઈ કરવામાં આવી છે.
હાલમાં 8 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ક્રિમી લેયરનો ભાગ ગણવામાં આવે છે. આ ઉપરાંત ગ્રુપ A, B સેવાઓમાં કામ કરતા અધિકારીઓના બાળકો પણ આમાં સામેલ છે. આ ઉપરાંત ડોક્ટર, એન્જિનિયર અને વકીલોના બાળકો પણ આ કેટેગરીમાં આવે છે.








