મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

15 લાખ કરોડના પ્રોજેક્ટ, ખેડૂતોને લઈને મોટા નિર્ણયો; 100 દિવસના એજન્ડામાં મોદી સરકાર પાસ કે ફેલ?

પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આ વખતે ખૂબ જ ખાસ રહેવાનો છે. મંગળવારે 17મી સપ્ટેમ્બરે NDA સરકાર 3.0 ના 100 દિ

15 લાખ કરોડના પ્રોજેક્ટ, ખેડૂતોને લઈને મોટા નિર્ણયો; 100 દિવસના એજન્ડામાં મોદી સરકાર પાસ કે ફેલ?

પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આ વખતે ખૂબ જ ખાસ રહેવાનો છે. મંગળવારે 17મી સપ્ટેમ્બરે NDA સરકાર 3.0 ના 100 દિવસ પણ પૂર્ણ થઈ રહ્યા છે. લોકસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો પહેલા જ પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને 100 દિવસનો રોડમેપ તૈયાર કર્યો હતો. વિપક્ષ ચૂંટણી દરમિયાન અને પછીથી રોજગાર મુદ્દે સતત મોદી સરકારને ઘેરી રહી છે. ત્યારે મોદી સરકારના 100 દિવસો પર નજર કરીએ તો મોદી સરકારે ખેડૂતોને કેન્દ્રમાં રાખીને રોડમેપ બનાવ્યો હતો. આ ઉપરાંત રોજગારી વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. 

જણાવી દઈએ કે, કોંગ્રેસે મોદી સરકાર પાસે 100 દિવસનો હિસાબ માંગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, એનડીએ સરકાર તેના 100 દિવસના એજન્ડામાં નિષ્ફળ રહી છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરાઈ છે. આ સિવાય મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે મોદી સરકારની ત્રીજી ટર્મના 100 દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સરકારની રચના થતાં જ ખેડૂતોને લગતા મહત્વના નિર્ણયો

પીએમ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા પીએમ કિસાન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યો હતો. આ અંતર્ગત લગભગ 9.3 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સિવાય MSPમાં વધારો પણ કૃષિ ક્ષેત્ર માટે મહત્વનો નિર્ણય ગણી શકાય. ખરીફ પાકની એમએસપીમાં 100થી 550 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોયાબીન અને સનફ્લાવર ઓઈલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવાનો લાભ પણ ખેડૂતો લઈ શકશે. 

લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે રોજગારીને મોટો મુદ્દો બનાવ્યો હતો. સાથે જ મોદી સરકારે રોજગાર વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓને મહત્ત્વ આપ્યું છે. કૌશલ્ય વિકાસ મિશન અંતર્ગત કૌશલ્ય સુધારણા અને 4.1 કરોડ યુવાનોના રોજગાર નિર્માણ માટે બજેટમાં 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે 1 કરોડ યુવાનોને 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપનો લાભ મળશે.

મહિલાઓની આવક વધારવાનો પ્રયાસ 

મોદી સરકાર મહિલાઓની આવક વધારવાને મોટી સફળતા ગણાવે છે. દાવો કરવામાં આવે છે કે 100 દિવસમાં 11 લાખ લાખપતિ દીદીઓ બનાવવામાં આવી છે. આ એવી મહિલાઓ છે જે એક વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુ કમાઈ શકે છે. જ્યારે સરકારને રોજગાર વિશે પૂછવામાં આવે છે ત્યારે આ સફળતાનો ઉલ્લેખ કરે છે.

15 લાખ કરોડના પ્રોજેક્ટ

સરકારમાં સામેલ લોકોનું કહેવું છે કે 100 દિવસમાં મોદી સરકારે 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે પ્રોજેક્ટ લોન્ચિંગની સાથે જ તેના ઉદ્ઘાટનની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ રોજગારી માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, રોજગારનો અર્થ માત્ર સરકારી નોકરી નથી. રોજગાર માટે ઘણા લાંબા ગાળાના પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.

NDA સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન 3 લાખ કરોડના એવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેમાં 25,000 ગામડાઓને રોડ નેટવર્ક સાથે જોડવા અને મેગા પોર્ટ બનાવવાનો સમાવેશ થાય છે. દેશમાં પ્રથમ 100 દિવસમાં 75 હજાર મેડિકલ સીટોનો વધારો પણ સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે. સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલ 2024 પણ રજૂ કર્યું હતું. રાજ્યોમાં પૂરનો સામનો કરવા માટે 12554 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. મોદી સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું મેડિકલ કવર આપવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર 100 દિવસમાં નિષ્ફળ ગઈ

કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર તેના 100 દિવસના એજન્ડામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ પર અંકુશ આવ્યો નથી. આ સિવાય મણિપુર 16 મહિનાથી સળગી રહ્યું છે અને પીએમ મોદીએ મોં ફેરવીને જોયું પણ નથી. હિંડનબર્ગ રિપોર્ટમાં સેબીના ચેરપર્સન સામેના ભ્રષ્ટાચારના આરોપોને પણ મોદી સરકારની નિષ્ફળતા ગણાવી છે. આ સિવાય પેપર લીક અને મહારાષ્ટ્રમાં  છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પડવાના મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખડગેએ કહ્યું કે વિરોધ પક્ષોના કારણે વકફ બિલને જેપીસીને સોંપવું પડ્યું અને લેટરલ એન્ટ્રી પર સરકારે યુ-ટર્ન લેવો પડ્યો.

આ સમાચાર શેર કરો